રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આ વચ્ચે સુરત સહિત રાજ્યના ઘણા શહેરોમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લીધો છે. એક તરફ કોરોના તો બીજી તરફ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. જે રીતે રોગચાળો વકરી રહ્યો છે તેને જોતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
શહેરમાં કોરોનાના કેસ કરતા પણ બમણી ગતીથી મચ્છજન્ય રોગચાળાના કેસ વધી રહ્યા છે. વરસાદી સિઝનમાં મચ્છરજન્ય અને પાણીજન્ય બીમારી ધરાવતા દર્દીઓની સંખ્યા વધી છે, ત્યારે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ દવા છંટકાવ અને ફોગિંગ જેવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ગણેશ ઉત્સવ બાદ કોરોનાના કેસમાં પણ વધારો થયો છે. પ્રતિ દિન 50 જેટલા કેસ એક સપ્તાહથી સામે આવી રહ્યા છે. આ ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 27, મેલેરિયાના 155 કેસ નોંધાયા છે. ગયા વર્ષની વાત કરીએ તો ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 63 કેસ અને મેલેરિયાના 110 કેસ નોંધાયા હતા. વરસાદી વાતાવરણને જોતા તાવ અને વાયરલના કેસમાં વધારો થઈ રહ્યો છે. રોગચાળો વધતા 1100 જેટલા હેલ્થ વર્કરો દ્વારા દરેક ઝોનમાં કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ ઉપરાંત ગણેશ ઉત્સવ બાદ કોરોના વાયરસના કેસમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને કોવિડ ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. આ ઉપરાંત વેક્સિનેશન કેમ્પ પણ શરૂ કરવામાં આવ્યા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં શહેરના 12થી 13 ટકા લોકોએ જ કોરોનાનો પ્રીકોસન ડોઝ લીધો છે.