કચ્છમાં ધોધમાર વરસાદની સાથે ધરા પણ ધ્રુજી
રિકટેર સ્કેલ પર 3.4ની તીવ્રતાનો આંચકો નોંધાયો
લખપતથી 51 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ
2001નો કચ્છનો ભૂકંપ હજી પણ ગુજરાત ભૂલ્યું નથી. જેણે અમદાવાદ સુધી વિનાશ સર્જ્યો હતો. અને હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા . ત્યારબાદ નાના નાના આંચકા તો કચ્છમાં સામાન્ય બની ગયા છે. હાલ એક તરફ કચ્છમાં ધોધમાર વરસાદથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે તેમા વરસાદની સાથે ધરા ધ્રૂજતા કચ્છવાસીમાં ચિંતાના વાદળ છવાયા છે. કચ્છમાં બુધવારે મોડી સાંજે રિકટેર સ્કેલ પર 3.4ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. લખપતથી 51 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સિસ્મોલોજી વિભાગ તરફથી જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ જ વર્ષના માર્ચ મહીનામાં આવેલા સર્વેમાં જણાવાયું છે કે, કચ્છના કતરોલ હિલ ફોલ્ટથી દર વર્ષે 2.1 મીલીમીટર ખસી રહી છે. તેના કારણે ભારતીય પ્લેટ પર અત્યંત ખતરનાક અસર થશે. 2001ના ભૂકંપ બાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભૂકંપના નાના આંચકા એ સામાન્ય બાબત બની ગઈ છે. પણ છેલ્લા બે માસમાં ભચાઉ, રાપરની આસપાસ જે આંચકા લાગ્યા હતા તેથી સંશોધનકર્તાઓનું ધ્યાન તેમના ભણી આકર્ષાયુ હતું.અમદાવાદ સહિતના શહેરોમાં ભૂકંપનું મોટું જોખમ હોવાનું તારણ આપવામાં આવ્યું હતું. અને ખાસ કરીને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ક્ષેત્રોમાં 2001ની સ્ટાઈલથી અમદાવાદ સુધી તેની મોટી અસર થશે તેવી સંભાવના પણ વ્યકત કરવામા આવી હતી.
ત્યારે ભૂકંપ આવતો કઈ વાતનું ધ્યાન રાખવું તે લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. લોકોએ ભૂકંપ આવે ત્યારે તુરંત ઓફિસ કે ઘરે હોય ખુલ્લા મેદાન તરફ ભાગવું અને ઈમારત, વીજળીના થાંભલા કે કોઈ દરવાજા હોય ત્યાથી દૂર રહેવું. આ ઉપરાંત અનેક ઉપાયો છે જે ભૂકંપથી રક્ષા કરી શકે છે.

- ભૂકંપના ઝટકા જેવા આવે તરતજ ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
- થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
- ઘર કે ઓફિસની બહાર નીકળતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
- ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
- ભૂકંપ આવે ત્યારે ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
- ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
- ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
- દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.
સિસ્મોલોજી વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં ભૂકંપથી ડરશો નહીં, 5-6 વર્ષે ભૂકંપ આવે છે. કચ્છમાં 5ની તીવ્રતાનો ભૂકંપ પણ સામાન્ય છે. હવેના આફ્ટર શોક સાવ સામાન્ય. લોકોએ ગભરાવાની જરૂર નહીં.