રખડતાં ઢોર મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન હાઇકોર્ટેની ઝાટકણી બાદ તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરકાર તરફથી એડવોકેટ જનરલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે, રખડતા ઢોર પર ટીમ સતત મોનિટરિંગ કરે છે. સંબધિત તમામ વિભાગ મહેનતથી કામ કરે છે. મુકેશ કુમારે પણ કડક પગલા લેવા સહમતિ દર્શાવી હતી.
બીજી બાજુ, ગુજરાત હાઈકોર્ટે સરકારને મીડિયાના અહેવાલ બતાવ્યા હતા. ન્યૂઝ પેપર બતાવી કામગીરી અંગે કોર્ટે સરકારને સવાલ કર્યો હતો. કોર્ટે પૂછ્યું હતું કે, તમારું કામ શું છે? જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, તમામ અધિકારીઓ હાજર છે. રખડતા ઢોર પર ટીમ સતત મોનિટરીંગ પેટ્રોલિંગ કરે છે. રાજ્યમાં સંબધિત તમામ વિભાગ મેહનતથી કામ કરતા હોવાની રાજ્ય સરકારે રજૂઆત કરી હતી. જેની સામે કોર્ટે જણાવ્યું હતું કે, લીધેલા નિર્ણય અને પગલાં માત્ર કાગળ પર છે.
આ તહેવારોનો સમય છે અને આવા સમયમાં અમે અકસ્માત થાય તેવું ઈચ્છી રહ્યા નથી. સાથે જ તાજેતરમાં ભાવિન પટેલ નામના વ્યક્તિનું રાખડયા ઢોરને લીધે મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં મૃતકને 5 લાખનું વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. આવતીકાલ સુધી વળતર ચૂકવવામાં આવે તેવો પણ આદેશ કર્યો હતો. રાજ્યમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના મામલે પણ હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સમગ્ર મામલે રાજ્ય સરકારની કામગીરી સામે હાઇકોર્ટ સખત નારાજ જણાઇ હતી. કોર્ટે કહ્યું હતું કે, સરકાર દરેક વખતે કામગીરીના નામે માત્ર મગરના આંસુ સારી રહી છે.
સરકાર માત્ર નોટિસ આપીને જ કામ ચલાવે છે અને રાજ્યમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર કતલખાનાઓ ધમધમી રહ્યા છે. ગેરકાયદેસર કતલખાના મામલે નામદાર સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનું પાલન પણ કરવામાં નથી આવી રહ્યું હોવાનું હાઇકોર્ટનું અવલોકન છે. ગેરકાયદેસર કતલખાનાઓમાં કોઈપણ પ્રકારની શુદ્ધતા કે અન્ય બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું નથી જેના કારણે માનવજીવન સાથે છેડા કરવામાં આવી રહ્યા છે. રાજ્યભરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાનાઓ એટલે કે જેમની પાસે લાયસન્સ નથી તેવા તમામ કતલખાનાઓ બંધ કરાવવા હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે.