ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં આ વખતના ચૂંટણી જંગમાં પરિણામો પહેલેથી જ એકતરફી બહાર આવી રહ્યા છે. વર્ષોથી દબદબો ધરાવતા કોંગ્રેસના નેતાઓને પણ આ વખતે ઘરભેગા થવું પડ્યું છે. દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પણ એડીચોટીનું જોર લગાવ્યું હતું પરંતુ પરિણામો બતાવે છે કે દક્ષિણ ગુજરાતમાં ભાજપ સિવાય કોઈને સ્વિકાર્યા નથી. સુરત શહેરજિલ્લા હોય કે પછી નવસારી, ભરૂચ, વલસાડ, નર્મદા સહિતના વિસ્તારોમાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યું છે.
ભાજપે 2017માં આ 35માંથી 25 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ અને ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)એ ક્રમશઃ આઠ અને બે બેઠકો જીતી હતી, પરંતુ આ વિસ્તારમાં અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત 14 બેઠકોમાંથી ભાજપ માત્ર પાંચ બેઠક પર જ જીત નોંધાવી શકી હતી. કોંગ્રેસનો યુવા આદિવાસી ચહેરો ધારાસભ્ય અનંત પટેલ હાઈવે પ્રોજેક્ટ માટે જમીન સંપાદન સામે નવસારી અને વલસાડ જિલ્લામાં વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યા છે.
ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરેલી આમ આદમી પાર્ટીના કેજરીવાલે સુરત શહેરમાં 8 સીટો પર વિજેતા બનવાની ભવિષ્યવાણી કરી હતી. પરંતુ આપના ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથિરીયા, ધામેલિયા સહિતના યુવાઓનો ગજ વાગ્યો નથી. કેજરીવાલની સુરત રેલી પછી આમ આદમી પાર્ટી તરફી વલણ હોવાનું લાગતું હતું પરંતુ લોકોએ ખોબલે ખોબલે ભાજપને મત આપતાં દક્ષિણ ગુજરાતની મોટા ભાગની તમામ સીટો પર જંગી બહુમતીથી ઉમેદવારો વિજયી બન્યા છે.