ગુજરાતના પાટણ જિલ્લામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. હારિજ તાલુકાના દુનાવાડા ગામે જૂની અદાવતના કારણે એક યુવકે રિવોલ્વર વડે ત્રણ યુવકો પર ફાયરિંગ કર્યું હતું. ત્રણેય યુવકોને ગોળી વાગી હતી જેમાંથી એકની હાલત ગંભીર છે. ત્રણેય ઘાયલોને ધારપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફાયરિંગ કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
રિવોલ્વરથી છ રાઉન્ડ ફાયરિંગ
પ્રાપ્ત માહિતી અનુસાર, દુનાવાડા ગામમાં રહેતા પરમાર ઈસમે શુક્રવારે બપોરે ગામના શિવાભાઈ, સોનાજી પટ્ટણી અને વિજય પટ્ટણી પર રિવોલ્વરમાંથી છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. વ્યવસાયે સુથાર શિવાભાઈને છાતીમાં, વિજય પટ્ટણીને કાનમાં અને સોનાજીને માથામાં બે ગોળી વાગી હતી.
જૂની અદાવતના કારણે આ ઘટના બની હતી
ગામના લોકો પાસેથી મળતી વિગત મુજબ આરોપી પરમાર ઇસમને ત્રણ ઇજાગ્રસ્તો સાથે જૂની અદાવત હતી. બપોરે ચારેય વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. દરમિયાન પરમારે રિવોલ્વર વડે ત્રણેય પર ફાયરિંગ કર્યું હતું. ઘટના બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.