18.22 લાખનો દારૂ ઝડપી પાડ્યો
પીઓપીની તૂટેલી મૂર્તિની આડમાં ટ્રકમાં દારૂ ભરીને લવાતો હતો
અરવલ્લીના મેઘરજમાં દારૂની ખેપ મારતો પોલીસ કર્મી ઝડપાયો હતો
ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ક્યાં તે એક સવાલ છે. કારણ કે રોજબરોજ દારૂ મળી આવ્યો હોવાની ઘટનાઓ સામે આવી રહી છે.ક્યારેક કારના પાર્ટસમાં તો ક્યારેક દૂધના ટેન્કરની આડમાં દારૂ લાવવાની તરકીબનો પોલીસ પર્દાફાશ કરતી આવી છે. ત્યારે વધુ એકવાર પોલસી ચોંપડે એક નવી જ તરકીબથી દારૂની હેરાફેરી કરવાની ઘટના નોંધાઇ .
મોરબીના માળિયા મિયાણામાં પોલીસે 18.22 લાખનો દારૂ ઝડપી પાડ્યો . અમદાવાદથી માળિયા તરફ આવતી ટ્રકમાં પોલીસને શંકા જતા તપાસ હાથ ધરી. જેમાં પીઓપીની તૂટેલી મૂર્તિની આડમાં ટ્રકમાં દારૂ ભરીને લવાતો હતો. પોલીસે દારૂ સાથે ટ્રક ચાલક ગોમારામ જાખડની અટકાયત કરી છે. કોના ઇશારે દારૂ મંગાવવામાં આવ્યો , કોણ છે દારૂ મોકલનાર અને અત્યાર સુધીમાં કોના કોના ત્યાં સપ્લાય કરવામાં આવતો હતો તે તમામને લઇને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તો આ તરફ 21 જુલાઇએ અરવલ્લીના મેઘરજમાં દારૂની ખેપ મારતો પોલીસ કર્મી ઝડપાયો હતો. કારમાં ગુપ્ત ખાનુ બનાવીને રાજસ્થાનથી દારૂ ગુજરાતમાં લવાતો હતો. પોલીસે 6 હજારનો દારૂ સહિત 1.67 લાખના મુદ્દામાલ સાથે તુષાર પટેલ નામના પોલીસને ઝડપી પાડ્યો હતો. આ પોલીસ કર્મી અમદાવાદ પોલીસની વિશેષ શાખામાં ફરજ બજાવે છે. પોલીસ કર્મી સહિત અન્ય બે શખ્સની પણ ધરપકડ કરવામાં આવી હતી અને સમગ્ર મામલે મેઘરજ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. મહત્વનુ છે કે રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ ઠેર ઠેર ખુલ્લેઆમ દારૂનુ વેચાણ થઇ રહ્યું છે, ક્યાંક પોલીસની આડમાં તો ક્યાંક પોલીસની પરવાહ કર્યા વિના બુટલેગરો બેફામ બન્યા છે. ત્યારે દારૂબંધીના નિયમોને નેવે મૂકનાર સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે અનિવાર્ય થઇ પડે છે.