જામનગર અને દ્વારકામાં ગાય સહિતના પશુઓના આરોગ્ય સામે જોખમ ખેડાયું
વધી રહેલા લમ્પી કેસે સમગ્ર રાજ્યની ચિંતા વધારી
90 જેટલી ગાયના મોત નિપજ્યાં છે
જામનગર અને દ્વારકામાં ગાય સહિતના પશુઓના આરોગ્ય સામે જોખમ ખેડાયું છે, વધી રહેલા લમ્પી કેસે સમગ્ર રાજ્યની ચિંતા વધારી છે. છેલ્લા બે સપ્તાહથી દ્વારકામાં આ જીવલેણ વાયરસના કેસ નોંધાઈ રહ્યા છે. ઉપરાંત જો તકેદારી ના લેવામાં આવે વધુ વાયરસ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. હાલ સમગ્ર રાજ્ય માટે કોરોના (Corona) બાદ લમ્પીનો ખતરો તોળાઈ રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે. નવાઈની વાત એ છે કે 90 જેટલી ગાયના મોત થયા છતાં જાણે તંત્ર ખો-ખોની રમત રમી રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે, કારણ કે જામનગર મહાનગર પાલિકા અને પશુપાલન વિભાગ એકબીજા પર જવાબદારી થોપવાના પ્રયાસ કરે છે.
કોરોના વાયરસ જેવી રીતે લોકો માટે જીવલેણ સાબિત થયો. તેવી રીતે જામનગરમાં પશુમાં લમ્પી વાયરસ જીવલેણ જોવા મળ્યો છે જામનગર શહેરમાં 202 ગાયમાં લમ્પી વાયરસના કેસ નોંધાયા છે. 9 મે બાદ આ વિસ્તારમાંથી ગાયના ટપોટપ મોત થઈ રહ્યા છે. લમ્પી વાયરસમાં ગાયને શરીરના ભાગે ફોડલા થવા, તાવ આવવો સહિતના લક્ષણો જોવા મળે છે.
જેની સારવાર સમયસર ના થાય તો જીવલેણ સાબિત થઈ શકે છે. છેલ્લા 20 દિવસમાં કુલ આ વિસ્તારોમાંથી 90 ગાયના એક બાદ એક મોત થયા છે. નવાઈ વાત છે. મહાનગર પાલિકાને ગાયના મોતની જાણ થતા ગાય મૃતહેદને નિકાલ કરવાની કામગીરી કરી છે. પરંતુ ગાયના મોતના કારણ જાણવા જરા પણ તસ્તી ન લઈ રહ્યા હોય તેવુ લાગી રહ્યું છે.
મૃત ગાયના શરીર પર લમ્પી વાયરસના લક્ષણો જોવા મળી રહ્યા છે, ત્યારે તંત્ર આ મુદ્દે બેદરકારી રાખી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. લમ્પી વાયરસ ગાય કે નંદીમાં હજુ સુધી જોવા મળી રહ્યો છે. જેમાં પશુના શરીર પર મોટા ફોડલા થવા, પગમાં સોજા થવા, નાકમાંથી પ્રવાહી કે લોહી નિકળવુ, ખોરાક ના લેવો, પશુનુ લાંબા સમય સુધી સ્થિર રહેવુ, તાવ સહીતના લક્ષણો જોવા મળે છે. જો આવા લક્ષણો પશુઓમાં જોવા મળે તો તેને ઝડપી સારવાર આપવી જોઈએ. જો 3 થી 5 દિવસમાં સારવાર ના મળે તો વાયરસ જીવલેણ બની શકે છે.