ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામની વાડી વિસ્તારમાં શ્રમિક પરિવારની 10 માસની બાળકીનું અપહરણ બાદ કુવામાંથી મૃતદેહ મળી આવ્યાના બનાવનો ભેદ પોલીસે કલાકોમાં ઉકેલી નાંખ્યો છે. બાળકી કજીયા કરતી હોવાથી સૂવા દેતી ના હોવાથી માતાએ જ 10 માસની બાળકીને કુવામાં ફેંકીને હત્યા નિપજાવતા ચકચાર જાગી છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હાડાટોડા ગામમાં વિરેન્દ્રસિંહ જાડેજાની વાડીમાં રહેતા અને ખેત મજુરી કરતા ઉત્તર પ્રદેશના વતની કાળુભાઈ સવજીભાઈ માલસીંગ મીનાવા (ઉ. વ.33) નામના યુવાનની 10 માસની પુત્રી ખુશીનું ગત તારીખ 31ના રોજ બપોરના સમયે માતા સાથે સુતી હોવાથી અને માતા નિંદ્રાધીન થતાં કોઈ અજાણ્યા શખસો બાળકીનું અપહરણ કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આ ફરિયાદના આધારે PSI પી. જી. પનારાએ સ્ટાફના લાખાભાઈ આહીર સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી અને બાળકીનો મૃતદેહ કુવામાંથી મળી આવતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. બાળકીના મૃતદેહનો કબ્જો સંભાળીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી.
પોલીસને શંકા જતાં કરેલી પુછપરછમાં માતા સંગીતાબેનએ કબુલાત કરી હતી કે, તેણીની પુત્રી ખુશીને જન્મથી જ શ્વાસની તકલીફ હોવાથી અને રાત્રીના પણ રડતી હોય અને સુવા દેતી ન હોય અને હેરાન કરતી હતી. જેથી માતાએ જ દીકરી ખુશીને કુવામાં ફેંકી દઈને મોત નિપજાવીને પરત સુઈ ગઈ હતી. જે અંગેની પતિ કાળુભાઈ મીનાવાની ફરિયાદ પરથી પત્ની સંગીતા કાળુભાઈ મીનાવા સામે હત્યાનો ગુનો નોંધીને ધરપકડની તજવીજ હાથ ધરી છે.