ગુજરાતમાં ઈન્કમટેક્સ વિભાગ એકશનમાં આવ્યું છે. રાજ્યના 7 હજારથી વધુ કરદાતાઓને નોટિસ ફટકારી છે. 2017-2018માં થયેલા મોટા વ્યવહાર મુદ્દે આ કાર્યવાહી થઈ હોવાનું સૂત્રો તરફથી જાણકારી મળી છે. જમીન-મકાન કે FDમાં મોટા રોકાણ અંગે ખુલાસા માગ્યા છે. જેમાં IT રિટર્ન કોપી, ટેક્સની વિગત, બેંક-GSTની વિગત માંગવામાં આવી છે.
સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી ડેટા ડિપાર્ટમેન્ટ પાસે આવ્યો હોય જેમાં જમીન-મકાન કે FDમાં તેમજ મિલકતની કિંમત ખરીદનાર અને વેચનારનું નામ પાન નંબર દર્શાવેલ હોય તે પાન નંબરના આધારે જે તે કરદાતાએ રિટર્ન ફાઈલ કર્યું છે કે નહીં તે ચકાસે છે અને વેચનારે પોતાની મિલકત અંગેના વ્યવહારો રિટર્નમાં દર્શાવ્યા છે કે નહીં ? તેમજ ખરીદનારે પોતાની મિલકત પોતાના રિટર્નમાં દર્શાવી છે કે નહીં તેનું વેરિફિકેશન કર્યા બાદ રિટર્નમાં ખરીદી અથવા વેચાણ દર્શાવ્યું ન હોય તેવા કિસ્સાઓમાં ઈન્કમટેકસ વિભાગ નોટિસો ફટકારી શકે છે.
શહેરના અનેક વિસ્તારોમાં મોટા મોટા પ્રોજેકટ ચાલી રહ્યા છે જેમાં પ્રોપર્ટીના ભાવ જંત્રી કરતાં 3 થી 4 ગણા વધારે છે. આવા પ્રોજેકટ પર ઈન્કમટેકસ વિભાગની નજર પડી હોય તેવી શક્યતા છે. જો કે આ માહિતી સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી ડિપાર્ટમેન્ટે કાઢી છે. આગામી દિવસોમાં ઈન્કમટેકસ વિભાગ વધુ કડક એક્શન લે તેવી ભીતિ સર્જાઇ છે.