ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ પાર્ટીએ 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં અર્જુન મોઢવાડિયાને પોરબંદર, જસદણથી ભોલાભાઇ ગોહિલને રિપિટ કરાયા છે. કુંતિયાણાથી નાથાભાઇ ઓડોદરાને ટિકિટ મળી છે. ગાંધીનગર દક્ષિણથી ડો. હિમાંશું પટેલને ટિકિટ ફાળવાઇ છે. કોંગ્રેસે તેની પ્રથમ યાદીમાં 10 પાટીદાર, 7 મહિલા અને 5 SC ઉમેદવારોને ટિકિટ ફાળવી છે. જ્યારે 11 આદીવાસી ઉમેદવારો, 7 અન્ય સવર્ણ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.
ઝાલોદથી ભાવેશ કટારાની ટિકિટ કપાઈ છે, જ્યારે કુતિયાણાથી નાથા ઓડેદરાને ટિકિટ આપી છે. અત્યાર સુધી કુતિયાણામાં કોંગ્રેસ-NCP ગઠબંધનનું હતું. હાલ કુતિયાણામાં NCPના ધારાસભ્ય કાંધલ જાડેજા છે. ડીસાથી પૂર્વ MLA ગોવા રબારીના પુત્ર સંજયને ટિકિટ મળી છે. 2017માં ગોવા રબારી ડીસામાં 14,531 મતથી હાર્યા હતા. ખેરાલુ બેઠક પર ગઈ ચૂંટણી હારેલા મુકેશ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે. હિંમતનગરથી કમલેશ પટેલ, 2017માં 1712 મતે હાર્યા હતા. જસદણથી ભોળાભાઈ ગોહિલને મેદાને ઉતાર્યા છે. ભોળાભાઈ કુંવરજી બાવળિયા સાથે ભાજપમાં ગયા હતા અને ફરીથી કોંગ્રેસમાં પરત ફર્યા હતા.
અર્જૂન મોઢવાડિયા પોરબંદરથી સતત 2 ચૂંટણી હાર્યા છે. મોઢવાડિયા બોખિરાયા સામે 1822 મતે હાર્યા હતા. ઘાટલોડિયાથી રાજ્યસભા સાંસદ ડો. અમીબેન યાજ્ઞિક મેદાને છે. જ્યારે અમરાઈવાડીથી 2019માં પેટાચૂંટણી લડનાર ધર્મેન્દ્ર પટેલને ફરી ટિકિટ મળી છે. માણાવદર બેઠક પર ફરી અરવિંદ લાડાણીને ટિકિટ અપાઇ છે. લાડાણી પેટા ચૂંટણીમાં જવાહર ચાવડા સામે 9759 મતથી હાર્યા હતા.
ભાવનગરની મહુવા બેઠકથી કનુ કલસરિયા મેદાને છે. ગઈ ચૂંટણીમાં કનુ કલસરિયા અપક્ષ ઉમેદવાર તરીકે લડ્યા હતા. ફતેપુરા બેઠક પરથી રઘુ મછારને ટિકિટ અપાઇ છે. રઘુ મછારની 2017માં 2711 મતથી હાર થઈ હતી. સંખેડાથી 2017માં હારેલા પૂર્વ MLA ધીરુભાઈને ફરી ટિકિટ આપવામાં આવી છે. સયાજીગંજમાં અમીબેન રાવતને મેદાને ઉતારાયાં છે. અમીબેન રાવત વડોદરા મનપામાં નેતા વિપક્ષ છે. બીજી બાજુ, આ યાદીમાં પહેલા તબક્કામાં જ્યાં ચૂંટણી છે એવા 23 ઉમેદવાર અને બીજા તબક્કાની બેઠક પરના 20 ઉમેદવાર જાહેર કરાયા છે.