છેલ્લા કેટલાક દિવસથી ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના પગલે ગરમીનુ જોર વધી રહ્યુ છે. ગરમી વધતા પાણીજન્ય બિમારીના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. ભાવનગર શહેરમાં છેલ્લા થોડા દિવસમાં ઝાડા-ઉલ્ટી, તાવ વગેરે બિમારીના કેસ વધી રહ્યા છે તેથી સારવાર માટે મહાપાલિકાના આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓનો ધસારો વધ્યો છે.
ભાવનગર શહેરમાં છેલ્લા થોડા દિવસથી ગરમીનુ જોર સતત વધી રહ્યુ છે અને છેલ્લા કેટલાક દિવસથી મહત્તમ તાપમાન આશરે ૪૦ થી ૪૪.૬ ડિગ્રી સુધી નોંધાયુ છે. હાલ અંગ દઝાડતી ગરમી પડી રહી છે, જેના કારણે પાણીજન્ય બિમારીના પ્રમાણમાં પણ વધારો થઈ રહ્યો છે. ગરમીના દિવસોમાં ખાવા-પીવામાં ખુબ જ ધ્યાન રાખવુ પડતુ હોય છે પરંતુ લોકો શેરડીનો રસ, ઠંડાપીણા, બરફ ગોળા સહિતની વસ્તુઓ ખાતા-પીતા હોય છે, જેના કારણે ઝાડા-ઉલ્ટી, તાવ વગેરે બિમારીના કેસ વધી રહ્યા છે. ગત તા. ૧૩ થી તા. ૧૮ મે દરમિયાન એટલે કે માત્ર ૬ દિવસમાં ભાવનગર શહેરમાં ઝાડા-ઉલ્ટીના ૩ર૦ કેસ નોંધાયા હોવાનુ મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ જણાવેલ છે. ઝાડા-ઉલ્ટી, તાવના કેસ વધતા સારવાર માટે મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રો ખાતે દર્દીઓનો ધસારો વધ્યો છે.
મહાપાલિકાના આરોગ્ય કેન્દ્ર ઉપરાંત સર તખ્તસિંહજી હોસ્પિટલ, ખાનગી દવાખાના, હોસ્પિટલમાં પણ પાણીજન્ય બિમારીની સારવાર માટે દર્દીઓ જતા હોય છે અને આંકડો ખુબ જ મોટો હોવાનુ ચર્ચાય રહ્યુ છે ત્યારે ઉનાળાની ગરમીમાં ખાવા-પીવામાં લોકોએ ધ્યાન રાખવુ જરૂરી છે તેમજ ગરમીમાં કામ સિવાય બહાર ન નિકળવુ જોઈએ તેમ આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવેલ છે. અસહ્ય ગરમી સહન નહીં થતા લોકો બિમાર પડતા હોય છે ત્યારે ગરમીના દિવસોમાં લોકોને જાગૃત થવા આરોગ્ય વિભાગે અનુરોધ કર્યો છે.
શહેરમાં બે વ્યકિતને લુ લાગી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી મહત્તમ તાપમાન વધી રહ્યુ છે અને હીટવેવના પગલે ગરમ પવન ફુંકાય રહ્યો છે ત્યારે લોકોની મૂશ્કેલી વધી છે. હીટવેવના પગલે શહેરમાં બે વ્યકિતને લુ લાગી જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે તેમ મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ જણાવેલ છે. ગરમીના પગલે બપોરના સમયે લોકોએ બહાર નિકળવાનુ ટાળવુ જોઈએ તેમ આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવેલ છે.