વડાપ્રધાન મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. આજે તેઓ ગાંધીનગરથી ભરૂચ પહોંચ્યા છે. ભરૂચનાં આમોદમાં આજે તેઓ 8000 કરોડથી વધુની વિવિધ યોજનાઓનું લોકાર્પણ અને ભૂમિ પૂજન કર્યુ છે. આમોદ તાલુકાના રેવા સુગરના મેદાન ખાતેથી જાહેરસભા સંબોધી રહ્યા છે. આ સાથે જ વિવિધ ઔદ્યોગિક પાર્ક અને ઈન્ફ્રાસ્ટક્ચર પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે. વડાપ્રધાન મોદીએ સંબોધનની શરૂઆતમાં મુલાયમસિંહ યાદવને યાદ કરીને કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, આજે સવારે જ્યારે હું અહીં આવી રહ્યો હતો ત્યારે દુખદ ખબર મળી કે, મુલાયમસિંહ યાદવજીનું નિધન થયું છે. મુલાયમજી સાથે મારો નાતો એક વિશેષ હતો. અમે બંને જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અમે બંને અપનત્વનો ભાવ હતો. જ્યારે હું વડાપ્રધાન બન્યો ત્યારે મુલાયમસિંહનો આશીર્વાદ તેમની સલાહના શબ્દો આજે પણ મને યાદ છે. રાજનૈતિક વિરોધી વાતો વચ્ચે પણ સંસદમાં મુલાયમસિંહ જેવા મોટા નેતાએ જે વાત કહી હતી તે આશીર્વાદ હતો. તેમણે કહ્યુ હતુ કે, મોદીજી બધાને સાથે રાખીને ચાલે છે એટલે મને વિશ્વાસ હતો કે તે ફરીથી વડાપ્રધાન બનશે.
વિકાસમાં ભરૂચની ભાગીદારી છે. પહેલા ભરૂચ ખારીસિંગ માટે ઓળખાતું હતુ. જ્યારે આજે મારું ભરૂચ ઉદ્યોગ, બંદરો અને કેટલીય વાતોમાં તેનો જયજયકાર થઇ રહ્યો છે. પહેલા ગુજરાતનું જે બજેટ હતું તેમાં એક દિવસમાં માત્ર ભરૂચમાં જ લોકાર્પણના કાર્યો કરી દીધા છે.
આ ગુજરાતની વિકાસયાત્રાની ઉંચાઇ છે કે, ગુજરાતે આજે એટલી બધી પ્રગતિ કરી છે કે, રાજ્યના અનેક જિલ્લા કોસ્મોપોલિટન બની ગયા છે. આખા દેશને પોતાની સાથે પ્રેમથી સમાવેશ કરી સાથે રાખતા થઇ ગયા. આ સાથે તેમણે કહ્યુ કે, પહેલા ભરૂચમાં છાશવારે કરફ્યૂ લાગતા હતા પરંતુ આજના બાળકોને ખબર જ નથી કે કર્ફ્યૂ શું છે.
પીએમ મોદીએ જણાવ્યુ કે, ‘એક રાજ્યમાં જેટલાં ઉદ્યોગો હોય તેના કરતા વધારે ઉદ્યોગો આપણાં ભરૂચમાં છે. ભરૂચ વડોદરા-સુરત એરપોર્ટ પર નિર્ભર રહી ન શકે, ભરૂચનું પોતાનું એરપોર્ટ હોવું જોઇએ. જેથી આજે અંકલેશ્વરમાં એરપોર્ટ બનાવવાનો શિલાન્યાસ કરવામાં આવ્યો. આ સાથે તેમણે જણાવ્યુ કે, નરેન્દ્ર-ભૂપેન્દ્રની ડબલ એન્જિન સરકારમાં એરપોર્ટનું કામ પણ તેજ ગતિમાં પૂર્ણ થશે અને વિકાસ પણ તેજ બનશે.’
વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે, આદિવાસી ભાઇઓ બહેનોને આજે કહેવું છે કે, દેશના અનેક વિસ્તારોમાં આદિવાસીઓેના હાથમાં બંદૂક પકડાવી દીધી. મારે ગુજરાતમાં નકસલવાદને પહોંચવા દેવો નથી. જેના માટે આદિવાસી વિસ્તાર અંબાજીથી ઉમરગામમાં વિકાસ કાર્યો કર્યા. જેના માટે હું એમનો આભાર માનું છું.
ગુજરાત અર્બન નક્સલનો ખાતમો બોલાવશે. અંબાજીથી ઉમરગામમાં 10 અને 12 ધોરણમાં સાયન્સની શાળાઓ શરૂ કરી. જેથી બાળકો આગળ વધી રહ્યા છે. 8200 કરોડ રુપિયાથી વધુના વિકાસકાર્યો અને પ્રોજેક્ટ્સની ભેટ આત્મનિર્ભર ગુજરાતના વિઝનને હાંસલ કરવા માટે ગુજરાત સરકાર રાજ્યમાં ઉદ્યોગો માટે શ્રેષ્ઠ ઈકોસિસ્ટમ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. તેને અનુરૂપ રાજ્ય સરકાર ભરૂચમાં ₹8238.90 કરોડના બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવાનું આયોજન કરી રહી છે.
જેમાં બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ, 4 ટ્રાઈબલ પાર્ક,1 એગ્રો પાર્ક, 1 સી-ફૂડ પાર્ક, 1 MSME પાર્ક અને 2 બહુ-સ્તરીય ઔદ્યોગિક શેડનું ભૂમિપૂજન, ડીપ સી પાઇપલાઇન પ્રોજેક્ટ, GACLના ચાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, અંકલેશ્વર એરપોર્ટ-ફેઝ-1 નું ઉદ્ઘાટન, ભરૂચ ભૂગર્ભ ગટર અને STP ના કામોનું લોકાર્પણ, ઉમલ્લા અશા પાણેથા રોડ મજબૂતીકરણ અને IOCL દહેજ કોયલી પાઈપલાઈનના ઉદ્ઘાટન જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.