અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં લૂંટની મોટી ઘટના સામે આવી છે. મોટેરામાં ત્રણ કિલો સોનાની લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. જ્વેલર્સમાંથી કર્મચારીએ જ લૂંટ ચલાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્વેલર્સનો શેઠ સ્ટ્રોંગ રૂમમાં સોનુ મુકવા જતાં કર્મચારીએ માલિકને પૂરી દઈ ચોરી કરી છે. કર્મચારી લાખો રૂપિયાની કિંમતનું 3 કિલો સોનું ચોરી ફરાર થઇ ગયો છે. હાલ આ મામલે ચાંદખેડા પોલીસે તપાસ હાથ ધરી છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો, મોટેરા વિસ્તારમાં આવેલા અંજલિ જ્વેલર્સમાં ત્રણ કિલો સોનાની લૂંટ ચલાવવામાં આવી છે. જ્વેલર્સના શેઠ સ્ટ્રોંગ રૂમમાં સોનાના દાગીના અને બિસ્કિટ મૂકવા જઇ રહ્યા હતા, ત્યારે જ ત્યાં કામ કરતાં બે કર્મચારી ત્યાં આવ્યા હતા અને શેઠને સ્ટ્રોંગ રૂમમાં પૂરી દીધા હતા. આ બન્ને કર્મચારીઓએ લગભગ ત્રણ કિલો સોનાની લૂંટ ચલાવી હતી. આટલું જ નહીં, જ્વેલર્સમાં પડેલી પાંચ લાખ જેટલી રોકડ પણ તેમણે ચોરી હતી. ચોરીનો આંકડો દોઢ કરોડની આસપાસ હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઘટનાને પગલે ચાંદખેડા પોલીસ દોડતી થઇ છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને જ્વેલર્સમાં સીસીટીવી કેમેરા છે કે કેમ? અને સીસીટીવીની તપાસ માટે એક ટીમ રવાના કરી છે. પોલીસ દ્વારા લૂંટ ચલાવનારા બન્ને કારીગરો વિશે માહિતી એકઠી કરવામાં આવી રહી છે. જ્વેલર્સમાં કામ કરતાં કર્મચારીઓ ક્યાના છે? તે અંગે પણ વિગતો એકઠી કરવામાં આવી રહી છે. હાલ પોલીસે અલગ-અલગ ટીમો બનાની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.