અમદાવાદ શહેરમાં ફરી એકવાર તહેવાર પૂર્વે નકલી પોલીસનો આતંક સામે આવ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારના રામોલમાં તો અસામાજીક તત્વો પોલીસની નિષ્ક્રિયતાના કારણે ઘર કરી ગયા હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં ગેંગવોરમાં એક હત્યા થઇ અને બાદમાં અનેક બનાવો સામે આવ્યા હતા. ત્યારે હવે નકલી પોલીસે આતંક મચાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીઓ સુધી પોલીસ પહોંચી શકે છે કે ફરી નિષ્ક્રિયતા સામે આવે છે તે જોવાનું રહેશે.
નડિયાદના ડભાણ ખાતે રહેતા વિપુલભાઇ સુથાર બારેજા ખેડા રોડ પર આવેલી એક કંપનીમાં નોકરી કરે છે. ધનતેરસના દિવસે તેઓ નોકરીએથી છૂટીને તેમની બહેનના ઘરે જતા હતા. તેમની બહેનના સુરેલિયા એસ્ટેટ ખાતે આવેલા ઘરે જમવાનો પ્રોગ્રામ હોવાથી તેઓ ત્યાં જતા હતા. રાત્રે તેઓ ઈશ્વર વે બ્રિજ નામના કાંટા પાસે પહોંચ્યા ત્યારે બાઇક પર બે લોકો આવ્યા અને તેમને રોક્યા હતા. બે શખ્સોએ અમે વટવા જીઆઇડીસી પોલીસ ડિસ્ટાફમાં છીએ, તેમ કહી એક શખ્સે પોતાનું નામ વિક્રમ બાપુ કહીને, તું ખોટા કામ કરે છે, ચાલ અમારી સાથે, તેમ કહી યુવકનું બાઇક લઈ અન્ય શખ્સ આગળ જતો હતો. બાદમાં આરોપીઓએ તને હાટકેશ્વર પોલીસ સ્ટેશન લઈ જવાનો છે કહીને તેમને લઈ જવામાં આવ્યો હતો.
રસ્તામાં જ બાઇક પર આરોપીઓએ યુવકને મોટા કેસમાં ફસાઈ જઈશ તારી જિંદગી બગડી જશે, તેમ કહી તેમની અને તેમની પાસે રહેલા સામાનની તલાશી લીધી હતી. બાદમાં પતાવટ કરવા 55 હજાર માંગતા યુવકે મનાઈ કરતા તેને જશોદાનગર પોલીસ સ્ટેશન લઈ જવાનું કહી પુનિતનગર તરફ લઈ ગયા હતા. બાદમાં આરોપીઓએ 20 હજાર માંગી પતાવટ કરવાની ઓફર કરી હતી. જોકે, યુવકે મનાઈ કરતા તેને માર મારી એટીએમમાં લઇ ગયા હતા. જ્યાં તેની પાસે 20 હજાર અને એક હજાર એમ 21 હજાર બળજબરીપૂર્વક કઢાવી લઈ રવાના કર્યો હતો. યુવક વટવા જીઆઇડીસી પોલીસમથકે જતા આરોપીઓ પાછળ ગયા પણ બાદમાં પોલીસ સ્ટેશન સામેથી જ ફરાર થઇ ગયા હતા. બનાવ રામોલમાં બન્યો હોવાથી યુવકને રામોલ મોકલતા રામોલ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.