અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં બે અંગદાન થયા છે. પ્રથમ કિસ્સામાં સિવિલ હોસ્પિટલ માં થયેલા 170માં અંગદાનની વિગતો જોઈએ તો, અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા ભાનુબેન વાઘેલાને તારીખ 10 ઓક્ટોબરના રોજ પોતાના ગામ સુરેન્દ્રનગર નાં કોઠારીયા ખાતે માતાજીનું નિવેજ કરી પાછા ફરતા જુહાપુરા ખાતે માર્ગ અકસ્માત થતા માથાના ભાગે ઇજા થઇ હતી. માથાની ગંભીર ઇજાના કારણે પ્રથમ પ્રાઇવેટ હોસ્પિટલમાં અને ત્યારબાદ એસ.વી. પી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા. ત્યારબાદ વધુ સારવાર અર્થે તારીખ 11ઓક્ટોબરના રોજ તેમને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તા.14 ઓક્ટોમ્બરના રોજ ડૉક્ટરોએ ભાનુબેન ને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરોની ટીમે ભાનુબેનના બે દિકરાઓને અંગદાન વિશે સમજાવતા બંને દીકરાઓ ઉમંગ ભાઈ અને હર્ષદ ભાઈએ હ્રદયપૂર્વક જન્મ આપનાર માતાના અંગોનું દાન કરી બીજા કોઈ માસુમના માથેથી તેની માતાની છત્રછાયા જતી રહેતા બચાવવાનો ઉમદા નિર્ણય કર્યો. બીજા કિસ્સામાં 171 માં અંગદાનની વાત કરીએ તો તારીખ 16 ઓક્ટોમ્બરના રોજ સિવિલ હોસ્પિટલના આઇસીયુમાં સારવાર દરમ્યાન એક યુવાન વ્યક્તિ બ્રેઇન ડેડ થતા તેના પરીવારજનો દ્વારા તેમના અંગોનુ ગુપ્ત દાન કરવાનો સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો હતો જેનાથી એક લીવર , બે કીડની તથા હ્રદય નુ દાન મળ્યુ હતુ
અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, આ બે અંગદાન થકી સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 555 અંગોનું દાન મળેલ છે. જેના થકી 537 વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે. દાનમાં મળેલ ચાર કિડની તેમજ બે લીવરને સીવીલ મેડીસીટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે તેમજ હ્રદય ને યુ એન મેહતા હોસ્પિટલ માં દાખલ દર્દી માં પ્રત્યારોપણ કરવામાં આવશે. આ સાથે મળેલ બે આંખોનું દાન સિવિલ મેડિસિટી કેમ્પસની એમ એન્ડ જે આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 308 કિડની, લીવર -148, ૫૨ હ્રદય ,30 ફેફસા , 9 સ્વાદુપિંડ , બે નાના આંતરડા , પાંચ સ્કીન અને 116 આંખોનું દાન મળ્યું છે