36મી નેશનલ ગેમ્સ 2022ની પૂર્વ સંધ્યાએ અમદાવાદનો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 600 ડ્રોને અદભૂત નઝારો સર્જ્યો હતો. લોકોએ આ શોની મજા માણી હતી. ગર્વની વાત તો એ છે કે આ તમામ ડ્રોન સ્વદેશી છે. ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ આ શો દરમિયાન હાજર રહ્યા હતા. આ ડ્રોન આઈઆઈટીના વિદ્યાર્થીઓએ તૈયાર કર્યાં છે. અમદાવાદ શહેરમાં પ્રથમવાર નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે.
29 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના 5 શહેરમાં 36માં નેશનલ ગેમની શરૂઆત કરવામાં આવશે. આ પહેલા સાબરમતી નદી પર એક સાથે 600 જેટલા ડ્રોન ઉડાડી ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને બુધવારે રાત્રે આ શોનું આયોજન કરાયું હતું.
આ ડ્રોન આઈઆઈટી દિલ્હીના વિદ્યાર્થીઓએ તૈયાર કર્યાં છે. સ્વદેશી ડ્રોન શોનું અમદાવાદ શહેરમાં પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું. આ શો માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ રાખવામાં આવ્યો ન હતો.
આ અંગે આઈસીએમ ડાયરેક્ટર ચંદ્રસિંહે જણાવ્યું હતું કે, આઇઆઇટી દિલ્હીના વિદ્યાર્થીઓએ સ્વદેશી ડ્રોન બનાવીને આ ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું છે. 36માં નેશનલ ગેમ ઓપનિંગ સેરેમની દરમિયાન એટલે કે 28મી સપ્ટેમ્બરે સાંજે 6 વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ પર એક સાથે 600 ડ્રોન ઉડાડવામાં આવશે.