માત્ર 5 મહિનામાં જ મંદિરોમાં દર્શન કરનારા 41% વધ્યા
નોકરી-બિઝનેસ પાટે આવે એ માટેની બાધાઓ લોકો પૂરી કરી રહ્યા છે
21 લાખ ભક્તોએ સોમનાથ, 20 લાખે અંબાજીના દર્શન કર્યા 4 મોટાં ધામમાં 50 લાખને પાર
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે પરંતુ હવે લોકો માટે મહામારી જાણે ભૂતકાળ બની ગઇ છે. દેવસ્થાનોમાં વધેલી શ્રદ્ધાળુઓની સંખ્યા પરથી લોકો નિર્ભિક બન્યા હોવાનું અને તેમની ધર્મ પ્રત્યેની આસ્થા વધી હોવાનું જણાય છે. મહામારીમાંથી બચી ગયા બદલ અને નોકરી-ધંધો ફરી પાટે ચઢે એ માટે માનેલી બાધાઓને કારણે મંદિરોમાં દેવદર્શનમાં મોટો વધારો થયો છે.
રાજ્યનાં 5 મહત્ત્ત્વનાં ધર્મસ્થાનોમાં વર્ષ 2021ના પ્રથમ પાંચ મહિનાની સાથે વર્ષ 2022ના પ્રથમ પાંચ માસની સરખામણી કરતા જણાયું કે 2022માં શ્રદ્ધાળુઓની સંખ્યામાં 140 ટકા કરતાં વધુ વધારો નોંધાયો છે. આ ધર્મસ્થાનોની આવકમાં પણ અંદાજે રૂ. 10.81 કરોડનો વધારો થયો છે. વધારાનું કારણ આ વર્ષે ઘટેલા કોરોના કેસની સાથે અગાઉના વર્ષમાં દેવસ્થાનોમાં અંશત: દર્શનબંધી પણ હોવાનું મનાય છે.
પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ 2021માં જાન્યુઆરીથી મે સુધીના પ્રથમ પાંચ મહિનામાં અંબાજી, પાવાગઢ, ડાકોર, સોમનાથ અને દ્વારકા (આંકડા ઉપલબ્ધ નથી)માં અંદાજે 21.70 લાખ દર્શનાર્થીઓએ દર્શન કર્યાં હતાં જેની સરખામણીમાં 2022ના પ્રથમ પાંચ માસમાં 53.21 લાખ યાત્રિકોએ ચાર ધર્મસ્થાનની યાત્રા કરી હતી. તેવી જ રીતે આ બંને સમયગાળા દરમિયાન દાનની આવકને લાગેવળગે છે ત્યાં સુધી પાવાગઢ (આંકડા ઉપલબ્ધ નથી) ને બાદ કરતાં બાકીના ચાર દેવસ્થાનમાં 1 જાન્યુઆરી 2021થી 31 મે 2021 દરમિયાન અંદાજે રૂ. 24,66,61,897 ની સામે 1 જાન્યુઆરી 2022થી 31 મે 2022 દરમિયાન રૂ. 35,48,11,593 ની આવક થઇ હતી.
આવક ઘટવાના કારણ અંગે સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ 2021માં ફેબ્રુઆરી – માર્ચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઇ હતી. ચૂંટણીમાં વ્યસ્તતાના કારણે ઉપરાંત ચૂંટણી પછી તરત જ કોરોના કેસનો રાફડો ફાટતા અનેક દિવસો સુધી મંદિરો બંધ રાખવાની નોબત આવવાથી દર્શનાર્થી અને દાનની આવકમાં ઘટાડો નોંધાયો હોઇ શકે છે 2021ની શરૂઆતમાં મહામારી અંકુશમાં આવતા મંદિરો જાહેર દર્શનાર્થી માટે ખુલ્લાં મૂકી દેવાયાં હતાં પરંતુ એપ્રિલમાં કેસમાં ફરી વધારો થતાં લગભગ 8 સપ્તાહ સુધી મંદિરમાં સામાન્ય દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો હોવાથી ભક્તો અને આવકમાં ઘટાડો થયો છે.