વિધાનસભાની ચૂંટણીને લઈ વડોદરામાં ખરાખરીની ખેલ જામ્યો છે. તેવામાં હવે ભાજપમાંથી ટિકિટ કપાય બાદ મધુ શ્રીવાસ્તવે અપક્ષ તરીકે ઝંપલાવ્યું છે. જોકે અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવનું ફરી એક વાર વિવાદિત નિવેદન સામે આવ્યું છે. વિગતો મુજબ ફોર્મ ભરતા સમયે રેલી કાઢતા સમયે મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, મારા કાર્યકરને કોઈનાથી ડરવાની જરૂર નથી. હું હજી પણ બાહુબલી છું. મારા કાર્યકરનો કોઈ કોલર પકડશે તો ઘરમાં જઈ ગોળી મારી દઈશ.
વડોદરાની વાઘોડિયા બેઠક પર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું ભાજપમાંથી પત્તું કપાય બાદ તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. મધુ શ્રીવાસ્તવે પોતાના સમર્થકો સાથે અપક્ષ ઉમેદવારી નોંધાવતા પહેલા એક રેલીમાં વિવાદિત નિવેદન આપ્યું છે. મધુ શ્રીવાસ્તવે જાહેરમાં કહ્યું હતું કે, મારા કાર્યકરનો કોઈ કોલર પકડશે તો ઘરમાં જઈ ગોળી મારી દઈશ. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, મારા વિરોધીઓને ચેતવણી છે કે, આ ઇલેક્શન છેલ્લી પાયરીનું રહેશે.
મહત્વનું છે કે, વડોદરાની વાઘોડીયા બેઠકના ભાજપના બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપવામાં આવી હતી. વાઘોડીયા બેઠક પર ભાજપમાંથી અશ્વિન પટેલને ટિકિટ મળતા રાજકારણ ગરમાયું છે. ત્યારે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ છે. ત્યારે અશ્વિન પટેલ એ વડોદરા જીલ્લા ભાજપ પ્રમુખ છે.
વાઘોડિયા વિધાનસભા બેઠક વડોદરા જિલ્લામાં આવેલી છે અને વડોદરા લોકસભા બેઠક હેઠળ આવે છે. આ બેઠક પર 1962થી 1985 કોંગ્રેસનો કબજો હતો. જે બાદ 1995થી 2017 સુધી એટલે કે 6 ટર્મથી બાહુબલી નેતાની ઓળખ ધરાવતા મધુ શ્રીવાસ્તવ જીતતા આવ્યા છે.