ગુજરાત ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં અનેક બદલાવો આવી રહ્યા છે. ત્યારે ગુજરાતનાં જાણીતા લોક ગાયક જીગ્નેશ બારોટે પણ અપક્ષ ઉમેદવાર તરીકે ખેરાલુંમાંથી ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. તેમની સાથેની ખાસ મુલાકાતમાં તેમણે જણાવ્યુ કે, ‘હજી સુધી હું કોઇની સાથે જોડાયો નથી કે મને કોઇ પક્ષમાંથી આ માટે કોઇ ઓફોર પણ આવી નથી.’
જીગ્નેશ બારોટે જણાવ્યુ કે, ‘મારું વતન ખેરાલું છે એટલે એનો વિકાસ કરવા માટે મેં આ જગ્યા પસંદ કરી છે. મને તમામ સમાજનો સાથ સહકાર મળ્યો જેથી મેં આ નિર્ણય લીધો છે કે, હું ખેરાલુમાં ચૂંટણી લડીશ.’
તેમણે વધુમાં જણાવ્યું કે, ‘હું નાનેથી મોટો મારા ગામમાં થયો છે મારું શિક્ષણ પણ ત્યાંનું જ છે. મારી ગાયકીમાં પણ મને પહેલો સપોર્ટ મારા વતનનો જ મળ્યો છે. અહીંની જનતાએ મને જીગામાંથી જીગ્નેશ બારોટ બનાવ્યો છે. જેથી મારે મારા તાલુકાનું કાંઇ સારું કામ કરવું છે.’
કવિરાજને જ્યારે પૂછવામાં આવ્યુ કે, તમને કોઇ પક્ષનો જોડાવવા માટે ફોન આવ્યો છે? ત્યારે તેમણે જવાબ આપ્યો કે, હું કોઇ પક્ષનો માણસ નથી અને હું હજી કોઇ પક્ષમાં નથી જોડાયો. તેથી જ મેં નિર્ણય લીધો છે કે હું અપક્ષમાંથી ચૂંટણી લડીશ. હું આ ચૂંટણી કોઇના વોટ કાપવા માટે નહીં પરંતુ મારા વિસ્તારનો વિકાસ થાય તે માટે આ નિર્ણય લીધો છે.