મહારાષ્ટ્રમાં મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર આજે સવારે લગભગ 4.40 વાગ્યે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. કાર અને લક્ઝરી બસ વચ્ચે અથડામણમાં કારમાં સવાર ચાર લોકોના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના પાલઘર જિલ્લાના દહાણુ વિસ્તારમાં સ્થિત મહાલક્ષ્મી મંદિર પાસે બની હતી. ગુજરાતથી મુંબઈ જઈ રહેલી સ્પીડમાં કારના ચાલકે કાબૂ ગુમાવતાં કાર સામેથી આવતી લક્ઝરી બસ સાથે અથડાઈ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર કારમાં સવાર ચારેય મુસાફરો ગુજરાતના બારડોલીના રહેવાસી છે. મૃતકોમાં ત્રણ પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. લક્ઝરી બસના ડ્રાઈવર સહિત ત્રણ ઘાયલોની કાસવ ઉપ-જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
બસમાં સવાર ત્રણ લોકો ઘાયલ પણ થયા હતા
કાસા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે સવારે લગભગ 4 વાગ્યે હાઇવે પર મહાલક્ષ્મી પુલ પાસે થયેલા અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકો પણ ઘાયલ થયા હતા. અધિકારીએ જણાવ્યું કે કારમાં સવાર ચાર લોકો ગુજરાતથી મુંબઈ જઈ રહ્યા હતા ત્યારે તેમનું વાહન બસ સાથે અથડાયું હતું. તેમણે જણાવ્યું કે કારમાં સવાર એક મહિલા સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે અકસ્માતમાં ઘાયલ ત્રણ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે.