રામનવમીના પવિત્ર તહેવારમાં ગોહિલવાડ ઉપર જાણે યમરાજાએ ડેરાતંબુ તાણ્યા હોય તેમ આજે ઘાસ ભરેલો ટ્રક પલ્ટી જતાં એક સાથે 6 મજુરના કમકમાટી ભર્યા મોત નિપજતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. કડબ ભરેલા ટ્રક નીચે અંદાજે 7 થી 8 લોકો દબાઈ જતાં પોલીસ, ફાયરબ્રિગેડ, 108 સહિતની ટીમો દ્વારા યુધ્ધના ધોરણે રાહત બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ભાવનગરનાં વલ્લભીપુર તાલુકાના મેવાસા પાસે આજે બપોરે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં છ લોકોના મોત થયા હતાં. ઘાસચારો ભરીને જતો ટ્રક અકસ્માત પલ્ટી ખાઈ જતાં આ અકસ્માત સર્જાયો હતો. ટ્રકમાં 12 થી 14 જેટલા શ્રમિકો સવાર હતાં. જેમાં આઠનાં મોત થયાના અહેવાલો મળી રહ્યાં છે જ્યારે અન્યને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા છે.
આ ગમખ્વાર અકસ્માતની પ્રાપ્ત થતી માહિતી મુજબ આજે બપોર ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાનાં મેવાસા ગામ નજીક કડબ ભરેલો ટ્રક પુરઝડપે પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક ડ્રાઈવરે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલ્ટી ખાઈ જતાં ટ્રકમાં બેઠેલા 13 થી વધુ મજુરોને ઈજા પહોંચી હતી. જેમાં 6 જેટલા મજુરોનું ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે.
આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો, 108 ઈમરજન્સી વાન, સેવાભાવી યુવાનો બનાવ સ્થળે દોડી ગયા હતાં અને બચાવ કામગીરીમાં જોડાઈ ગયા હતાં. અકસ્માતને પગલે મજુરોની ચીચીયારી થી માર્ગ ગુંજી ઉઠયો હતો. આ બનાવ અંગે વધુ માહિતી મેળવાઈ રહી છે.
આ ટ્રકમાં 12 થી 14 શ્રમિકો સવાર હતા. ઘટનાની જાણ થતાં જ તાબડતોબ 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ અને રાહતની કામગીરી હાથ ધરી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે મૃત્યુઆંક વધવાની આશંકા પણ સેવાઇ રહી છે.