નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન અંતર્ગત સુરત પોલીસ દ્વારા સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતની લાલગેટ પોલીસને એક હુક્કાબાર પકડવામાં મોટી સફળતા મળી છે. પોલીસ દ્વારા 8 નસેળીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને 5 લાખ કરતાં વધારે હુક્કા સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે.
સુરત શહેરમાં નશાકારક પદાર્થોનું વેચાણ કરતા ઇસમો સામે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતની લાલગેટ પોલીસે બાતમીના આધારે મોટાપાયે ચાલતા હુક્કાબાર પર રેડ કરી હતી. લાલગેટ પોલીસ દ્વારા રાણી તળાવ વિસ્તારમાં આવેલ સોની સ્ટ્રીટના નાલબંધ કોમ્પલેક્ષની દુકાન નંબર 8, 9 અને 10માં રેડ કરવામાં આવી હતી અને રેડ દરમિયાન ગેરકાયદેસર ચાલતું હુક્કાબાર પોલીસે ઝડપી પાડ્યું હતું.
આ રેડ દરમિયાન પોલીસ દ્વારા 8 જેટલા નસેળીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. તો બીજી તરફ હુક્કા સહિત 5 લાખથી વધારેનો મુદ્દામાલ હુક્કાબાર પરથી પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા રેડ દરમિયાન અસદ ફિરોજ મનસુરી, ફુરખાન શેખ, નોમાન શેખ, અબરાર મેમણ, વિરલ પટેલ અને મોહમ્મદ ઝૈદ ભરૂજા નામના ઇસબને ઝડપી પાડ્યા છે. તો પોલીસે તમાકુ, હુક્કો, મોબાઈલ અને રોકડ સહિત કુલ 5,93,660 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
જોકે, આ ઈસમો કેટલા સમયથી આ વેપાર કરતા હતા અને આ વેપારમાં તેમની સાથે કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે આ હુક્કાબારમાં મોટા પ્રમાણમાં યુવકો નશાની લતે ચડ્યા હોવાની વિગતો પણ પોલીસ પાસે સામે આવી છે. તેવામાં આ લોકો વિરુદ્ધ પોલીસ હવે કયા પ્રકારની અને કેટલી કડક કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યુ.