ગૃહમંત્રી હર્ષ સંઘવીની ભાજપના નેતાઓ સાથે બેઠક
CM ભૂપેન્દ્ર પટેલ અને પાટીલ પણ આવશે
સંઘવી મોદીના કાર્યક્રમને લઇ આટકોટની મુલાકાત બાદ ધિકારીઓ સાથે બેઠક કરશે
વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે એક બાદ એક મોટા કાર્યક્રમો અને બેઠકો શરૂ કરી દીધી છે. આજે રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી જાણતા રાજા નાટક નિહાળશે. ત્યારે હર્ષ સંઘવી રાજકોટ આવી પહોંચ્યા છે અને તેઓએ ભાજપના નેતાઓ સાથે બેઠક યોજી હતી.
જેમાં જાણતા રાજા નાટક અને મોદીના આટકોટ કાર્યક્રમ લઈને માહિતી મેળવી હતી. હર્ષ સંઘવી મોદીના કાર્યક્રમને લઈને આટકોટમાં ચાલી રહેલી તૈયારીઓનું પણ નિરીક્ષણ કરશે. તેમજ જેનું મોદીના હસ્તે લોકાર્પણ થવાનું છે તે કે.ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની મુલાકાત પણ લેશે.
અરવિંદ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મેયર ડો.પ્રદિપ ડવ સહિતના ભાજપના નેતાઓ સાથેની બેઠકમાં હર્ષ સંઘવીએ વિવિધ મુદે ચર્ચા પણ કરી હતી. તેમજ ભાજપના કાર્યકરો સાથે પણ બેઠક કરી હતી. આ સિવાય હર્ષ સંઘવી સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું નિરીક્ષણ કરશે. આ સિવાય રાજકોટના ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ સાથે પણ બેઠક કરશે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમની સ્થળ મુલાકાત લીધા બાદ વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે.
રાજકોટમાં આજે છત્રપતિ શિવાજી મહારાજના જીવનકવન આધારિત જાણતા રાજા નાટકનું આયોજન રેસકોર્સ મેદાન ખાતે કરવામાં આવ્યું છે. આ મહાનાટ્ય સમારોહના અધ્યક્ષસ્થાને CM ભુપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, જાણતા રાજા એ સમગ્ર એશિયાનું સૌથી મોટુ જીવંત રીતે ભજવાતું મહાનાટક છે.
અત્યારસુધીમાં આ નાટકના 1 હજારથી વધુ શો સમગ્ર ભારતમાં ભજવવામાં આવ્યા છે. જેમાં કુલ 300 જેટલા કલાકારો ભાગ લેનાર છે. આ પૈકી રાજકોટના 125 કલાકારો છે અને મહારાષ્ટ્રના 125 કલાકારો ભાગ લેનાર છે.