બોટાદમાં લઠ્ઠાકાંડને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્વરીત તપાસના આદેશ આપ્યા છે
લઠ્ઠાકાંડમાં 24 લોકોના મોત નીપજ્યા
મુખ્યમંત્રીએ DGP સાથે વાત કરી
બોટાદમાં લઠ્ઠાકાંડ મુદ્દે એક મોટા સમાચાર સામે આવ્યા છે. બોટાદમાં લઠ્ઠાકાંડને લઈ સરકાર હરકતમાં આવી છે અને મુખ્યમંત્રીએ DGP સાથે આ મામલે વાત કરી છે. આ તરફ ગૃહરાજ્યમંત્રીએ પણ ઘટનાની નોંધ લીધી છે. બોટાદમાં લઠ્ઠાકાંડને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્વરીત તપાસના આદેશ આપ્યા છે. નોંધનીય છે કે, બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 20 થી વધુ લોકોના મોત અને અન્યની હાલત ગંભીર થતાં ખળભળાટ મચ્યો છે. જોકે આજે આ લઠ્ઠાકાંડમાં વધુ 9 લોકોના મોત થતાં મૃતાંક વધીને 24 થઈ જવા પામ્યો છે. બીજી તરફ હજી પણ કેટલાક દર્દીઓની હાલત ગંભીર છે.
બોટાદ પંથકમાં કથિત લઠ્ઠાકાંડને લઈ હડકંપ મચી ગયો છે. આ તરફ આજે વધુ વધુ 9 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. બોટાદ લઠ્ઠાકાંડને લઈ કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સરકાર હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરાયા છે. જેમાં બરવાળા સીએચસી સેન્ટરમાં એકનું મોત નીપજ્યું હતું જ્યારે બાકી લોકોનું મોત ભાવનગર હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
કથિત લઠ્ઠાકાંડ મામલે બોટાદ SP કરણરાજસિંહ વાઘેલાએ નિવેદન આપતા જણાવ્યું કે, ‘કથિત લઠ્ઠાકાંડમાં વપરાયેલ કેમિકલ ચોરીનું હોવાનો ખુલાસો થયો છે. દારુમાં વપરાયેલ કેમિકલ ચોરી કરાયું હતું. લાંભા અટકાયત કરવામાં આવેલ શખ્સ આ કેમિકલ ચોરી કરીને લાવ્યો હતો. હાલમાં આ મામલે રાણપુર અને બરવાળા ગામે તપાસ ચાલી રહી છે. દેશી દારુને લઇ સ્થાનિક PIને તપાસ માટેના આદેશ પણ અપાયા છે.
આ બનાવને પગલે દારૂ બનાવનાર અને દારૂ વેચનારની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. જો કે આ સમગ્ર ઘટનાને પગલે DySPની અધ્યક્ષતામાં SIT ની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે. FSLને પણ દારૂની અસર થયેલા લોકોના તેમજ મૃતકોના સેમ્પલ આપવામાં આવ્યા છે જે બાદ જ મૃત્યુનું સાચુ કારણ આધિકારિક રીતે બહાર આવી શકે છે.
બોટાદના રોજિદ ગામે ગત રોજ કથિત લઠ્ઠાકાંડ બાદ જિલ્લા વહીવટી તંત્ર દોડતું થયું છે. બોટાદ કલેકટરે ગત મોડી રાત્રે બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી.અને આ સાથે કલેક્ટરે મોડી રાત્રે અધિકારીઓ સાથે બેઠક યોજીને સમીક્ષા કરી હતી.આ સાથે ઝેરી દારૂથી અસરગ્રસ્ત દર્દીઓની સારવાર અંગે મેળવી માહિતી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે લઠ્ઠાકાંડને લઈને સોમવાર મોડી રાત સુધી સીએચસી અને સરકારી દવાખાનાઓમાં અસરગ્રસ્તોનો ધસારો આવી રહ્યો હતો.