કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 18-19 માર્ચે બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવશે. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન અમિત શાહ ડેરી ઉદ્યોગ સંમેલન અને બે યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ સહિત અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. આ ઉપરાંત તેઓ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ બેંક હેડક્વાર્ટરનો શિલાન્યાસ કરશે અને સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના પણ કરશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગૃહમંત્રી 18 માર્ચે ગાંધીનગરમાં ભારતીય ડેરી ફેડરેશન દ્વારા આયોજિત 49માં ડેરી ઉદ્યોગ સંમેલનમાં ભાગ લેશે.
આ ઉપરાંત તેઓ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી (DISHA)ની બેઠકમાં હાજરી આપશે અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મફત ભોજન અભિયાનનો પ્રારંભ કરશે. નારદીપુર તળાવના ઉદ્ઘાટન ઉપરાંત, શાહ વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપતા પહેલા વાસણ તળાવ અને કલોલના વિવિધ વિકાસ કાર્યોનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરશે.
19 માર્ચે, તેમની ગુજરાત મુલાકાત દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી જૂનાગઢમાં APMC કિસાન ભવનનું ઉદ્ઘાટન કરશે અને જૂનાગઢ જિલ્લા બેંકના મુખ્યાલયનો શિલાન્યાસ પણ કરશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરમાં પ્રાર્થના કરવા ઉપરાંત તેઓ સોમનાથ ટ્રસ્ટની મોબાઈલ એપ લોન્ચ કરશે અને વિડીયો કોન્ફરન્સ દ્વારા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. સાંજે અમિત શાહ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.