શાળામાં માતૃભાષા ભણવવા અંગે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા વારંવાર રજુઆત થઈ રહી છે ત્યારે રાજ્યની સરકારી શાળા ઉપરાંત વિવિધ બોર્ડ સાથે સંકળાયેલી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાતપણે તબક્કાવાર વિવિધ ધોરણોમાં ભણાવવા માટે સરકારે 2018માં ઠરાવ કર્યો છે, પણ તેના મુદ્દે આખરે હવે જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટે રાજ્ય સરકાર સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે.
હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે, રાજ્ય સરકાર જણાવે કે તેમનો ઠરાવ હોવા છતા તેનો અમલ કેમ કરાતો નથી ? સરકારનો નીતિ વિષયક નિર્ણય છે, ત્યારે શા માટે આ તમામ બોર્ડને પક્ષકાર બનાવવા જોઈએ ? હાઈકોર્ટે સરકારને આકરો સવાલ કરેલો કે, મહારાષ્ટ્ર, તેલંગાણા, પંજાબ, હરિયાણામાં પ્રાથમિક શાળાઓમાં ફરજીયાત પ્રાદેશિક ભાષા ભણાવવા બાબતનો અમલ થાય છે, તો ગુજરાતમાં કેમ કરાતો નથી ? શું સરકાર તમામ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષાને ફરજીયાત ભણાવવા માટે સક્ષમ નથી ? શા માટે સરકારે આ વિવિધ બોર્ડની દયા પર આધારિત રહેવુ પડે ? તાજેતરમાં જ 22 ગુજરાતી શાળાઓ બંધ થઈ છે, તે ઘટના આશ્ચર્ય કરવા જેવી છે.
આ મામલે વધુ સુનાવણી 14 ઓક્ટોબરના થશે. જેમાં અરજદારની માગ છે કે, ગુજરાતમાં રહેલી જે પ્રાથમિક શાળાઓ ગુજરાતી ભાષાને ભણાવતી નથી, તે શાળાને આપવામાં આવેલા એનઓસી પરત ખેંચો. શાળા-કોલેજોમાં ગુજરાતી ભાષા ભણાવવા, તેને પ્રોત્સાહિત, રક્ષિત અને જાળવણી કરવા માટે એક નીતિ બનાવો અને તેનો અમલ કરાવો.
કેન્દ્ર સરકારે પણ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વિદ્યાર્થી રાષ્ટ્રભાષે સાથે માતૃભાષા અને સ્થાનિક ભાષા શીખે તે વાતનો સમાવેશ કરેલો છે. રાજ્યમાં વિવિધ બોર્ડ સાથે જોડાયેલી પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજી- હિન્દી ભાષા શિખવાડાય છે, પણ ગુજરાતી શિખવાડાતી નથી. અન્ય રાજ્યોમાં તેની પ્રાદેશિક ભાષાને જાળવવા પગલા લેવાયા છે. તેઓ કોઈ ભાષાના વિરોધી નથી, પરંતુ માતૃભાષાથી જ બાળક અજાણ હોય તો સમગ્ર સંસ્કૃતિ જ વિસારે પડી જાય. સરકારે રજૂઆત કરેલી કે, તમામ બોર્ડને આ અંગે નિર્દેશ છે, પરંતુ દરેક સંસ્થાની પ્રવૃત્તિઓ અલગ અલગ હોય છે.