આતંકી હુમલાના ઈનપુટના પગલે દ્વારકા પોલીસ એલર્ટ
મંદિરમાં કરાઈ થ્રી લેયર સુરક્ષા, તમામ વાહનોનું ચેકિંગ શરૂ
ગોમતીઘાટ, સુદામાસેતુ, રેલવે-બસ સ્ટેશનમાં પોલીસની નજર
ભાજપ નેતા દ્વારા કરાયેલ ટિપ્પણી નો દેશ ભરમાં વીરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ખતરનાક આતંકી સંગઠન અલકાયદાએ ગુજરાત માં હુમલો કરવાની ધમકી આપી છે . જેને પગલે રાજ્યની પોલીસ અને ઈંટેલિજેંટ વિભાગ એલર્ટ પર આવી ગયા છે. ત્યારે જગતમંદિર દ્વારકાધીશના મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. હુમલાની ધમકીને લઇ દ્વારકાધીશના મંદિરમાં થ્રી લેયર સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. આ સાથે દ્વારકામાં પ્રવેશ મેળવતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
સમગ્ર રાજ્યમાં આતંકવાદી હુમલાના ઈનપૂટના પગલે સુરક્ષા હાઈ એલર્ટ પર હોઈ ત્યારે જગત મંદિર દ્વારકાધીશ ખાતે થ્રી લેયર સુરક્ષા કરાઇ. જેને લઈ દ્વારકાના ગોમતીઘાટ, સુદામાસેતુ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન જેવી ભીડ-ભાડવાળી જગ્યામાં પોલીસે ચાંપતી નજર રાખી છે. આતંકવાદી હુમલાના ઈનપુટને લઈ તંત્ર અને પોલીસે એક્શન મોડમાં આવી તપાસ શરૂ કરી છે.
આતંકવાદી હુમલાના ઈનપુટને પગલે હાલમાં દ્વારકામાં કડક સુરક્ષા જોવા મળી રહી છે. જેમાં દ્વારકાધિશ મંદિર, ગોમતીઘાટ, સુદામાસેતુ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન પર તેમજ શહેરના ભીડભાડવાળી જગ્યામાંપોલીસ દ્વારા ખાસ નજર રખાઈ રહી છે. જગત મંદિર દ્વારકા ખાતે પણ સુરક્ષામાં વધારો કરી દેવાયો છે, જેને લઈ અહીં આવતાં તમામ લોકોને ચેકીંગ કર્યા બાદ જ મંદિર પરિસરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
દ્વારકા જિલ્લો 3 તરફથી સમુદ્ર સાથે ઘેરાયેલો હોઈ જે સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વપૂર્ણ ગણાય છે. અહી જગ વિખ્યાત દ્વારકાધીશ મંદિર આવેલ હોઈ હરરોજ હજારોની સંખ્યામાં યાત્રાળુ સમગ્ર દેશમાંથી આવતા હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ આ જિલ્લો ખુબજ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ તરફ હવે આતંકવાદી હુમલાની દેહશતના પગલે દ્વારકા જિલ્લાના તમામ ચેકપોસ્ટ પર પોલિસ દ્વારા જિલ્લામાં એન્ટ્રી કરતા વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.