રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિજ્ઞાનના યુગમાં આજે પણ કેટલાય લોકો પર અંધશ્રદ્ધા કેવી રીતે વર્ચસ્વ ધરાવે છે, તે રાજકોટમાં જોવા મળ્યું. નેપાળી પરિવારના ચોકીદારે તેની પત્ની, પુત્ર અને પુત્રી પર ઘાતકી હુમલો કર્યો છે. અંધશ્રદ્ધાળુ પિતાએ ત્રણેય પર છરી વડે હુમલો કર્યો, જેના પછી ઘાયલ પુત્રીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જ્યારે પત્ની અને પુત્રને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
બાળકોને દાખલ કર્યા બાદ થોડી જ વારમાં માસૂમ પુત્રનું પણ હોસ્પિટલના બિછાને મોત થયું હતું. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ઈન્દિરા સર્કલ પાસે આવેલા અજંતા એપાર્ટમેન્ટમાં રહેતો અને ચોકીદાર તરીકે કામ કરતો નેપાળી શખ્સ આ જીવલેણ રમત રમ્યો હતો. પોલીસે જણાવ્યું કે પ્રેમ શાહુ નામના વ્યક્તિએ અંધશ્રદ્ધાને કારણે વહેલી સવારે તેની પત્ની બસંતી શાહુ (ઉંમર 25), પુત્ર નિયત શાહુ (ઉંમર 4) અને પુત્રી લક્ષ્મી શાહુ (ઉંમર 3 મહિના) પર ચાકુ વડે હુમલો કર્યો હતો.
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણેય માતા-પુત્રોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે માસૂમ બાળકી લક્ષ્મીને મૃત જાહેર કરતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એ.બી.જાડેજા સહિતનો કાફલો હોસ્પિટલે પહોંચ્યો હતો જ્યાં બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે હત્યારા પ્રેમ સાહુ છેલ્લા પાંચ વર્ષથી રાજકોટમાં રહેતો હતો. તેણે આજે વહેલી સવારે અંધશ્રદ્ધામાં આ હત્યા કરી હતી. તેણે પત્નીને કહ્યું કે આજે માતાજીએ આજ્ઞા કરી છે કે તમારે બધાને મારી નાખવાના છે. આ પછી તેણે પરિવારના સભ્યો પર છરી વડે હુમલો કર્યો, જેમાં નિર્દોષ ભાઈ અને બહેનનું મોત થયું, જ્યારે તેની પત્ની બસંતી પણ ગંભીર હાલતમાં દાખલ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.