અમદાવાદમાં ગાડીઓ પાણીમાં ડૂબી
તળાવના પાણી વ્રજવિહાર અપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં ઘૂસ્યા
બેઝમેન્ટમાં પાર્ક કરેલા અનેક વાહનો બેઝમેન્ટના પાણીમાં ડૂબ્યા
અમદાવાદમાં રવિવારે ખાબકેલા વરસાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સોસાયટીઓ અને મકાનોમાં પાણી ઘૂસી જતાં લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. રસ્તા પર ભરાયેલા પાણીમાં વાહનો ફસાઈ જવાના પણ બનાવો સામે આવ્યા છે. બીજી તરફ, શહેરના પ્રહલાદનગર રોડ પર સ્થિત વ્રજવિહાર એપાર્ટમેન્ટમાં ગજબની ઘટના જોવા મળી હતી. ઔડા તળાવની પાણી તૂટી જતાં તળાવનું પાણી સીધું એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં આવ્યું હતું, જેને લીધે બેઝમેન્ટમાં મૂકેલી ગાડીઓ ડૂબી ગઈ હતી.
આખી રાત વરસેલા મુશળધાર વરસાદના કારણે અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં સોસાયટીમાં પણ પાણી ભરાઇ જતા લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં પ્રહલાદનગર, શ્યામલ, જીવરાજ પાર્ક અને પાલડીમાં હજુ પણ પાણી ભરાયેલા છે.બેઝમેન્ટમાં મૂકેલા વાહનો બેઝમેન્ટના પાણીમાં ગરકાવ થઇ ગયા છે. એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાર્ક કરેલા વાહનો પર તળાવના પાણી ફરી વળતા બેઝમેન્ટ જાણે કે દરિયો થઇ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.
અમદાવાદમાં આખી રાત વરસેલા મુશળધાર વરસાદના કારણે શહેરના રોડ-રસ્તાઓ પર પાણી ભરાઇ જતા વાહનચાલકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં તો લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા છે.
તો બીજી બાજુ શહેરના નિકોલ, નરોડા, કૃષ્ણનગર, ઓઢવ, રખિયાલ, હાટકેશ્વર, ઈસનપુર અને અજીત મીલ વિસ્તારો જળમગ્ન થઇ ગયા છે. એ સિવાય શહેરના અન્ય વિસ્તારોમાં મણિનગર, જજીસ બંગલો, રાણીપ, મીઠાખળી, બોપલ, ઘુમા, ગોતા, ચાંદલોડિયા અને પરિમલ અંડરપાસમાં પાણી ભરાઇ જતા વાહનચાલકોએ સવાર-સવારમાં નોકરીએ ફરી-ફરીને જવાના દહાડા આવ્યા.
શહેરના વાસણા બેરેજના 8 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા હતા. 17, 18, 19, 20, 21, 22, 23 અને 24 નંબરના ગેટ ખોલી નાખવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે, શહેરની સાબરમતી નદીમાં 18 હજાર 904 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. અમદાવાદમાં મૂશળધાર વરસાદના કારણે શહેરના કેટલાંક વિસ્તારો તો જાણે કે દરિયો હોય તેવી સ્થિતિ થઇ ગઇ છે.