- વિદેશ મોકલવાના નામે ગુજરાતીઓને બંધક બનાવ્યા
- ગુજરાતીઓને બંધક બનાવી ખંડણી વસૂલી
- કોલકાતા-દિલ્હીમાં બંધક 15 ગુજરાતીઓને છોડાવ્યા
ગાંધીનગર પોલીસ દ્વારા કબૂતરબાજ અને ખંડણીના મસમોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વિદેશ મોકલવાની લાલચ આપી કોલકાતા-દિલ્હીમાં 15 પેસેન્જરને ગોંધી રાખી બંદૂકની અણીએ કેનેડા પહોંચી ગયાનો ફોન કરાવી સાત લોકો પાસેથી 3 કરોડ 5 લાખ 74 હજારની ખંડણી ઉઘરાવનારા કબૂતરબાજ ગેંગનો પર્દાફાશ કરીને લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા તમામ બંધકોનો હેમખેમ છુટકારો કરાવ્યો છે. ગાંધીનગર કલોલનાં દંપતીને અમેરિકા મોકલવાની લાલચ આપી દિલ્હી લઈ જઈ 10 લાખની ઉઘરાણી અને ફાયરિંગની ઘટનાની શાહી હજી સુકાઈ નથી. એવામાં ગાંધીનગર લોકલ ક્રાઇમ દ્વારા કબૂતર બાજના મસમોટા નેટવર્કનો પર્દાફાશ કરી બે એજન્ટની ધરપકડ કરી લેવાઈ છે.
12મી ફેબ્રુઆરીના રોજ લોકલ ક્રાઇમ બ્રાંચને રજૂઆત મળી હતી કે માણસાના ખરણા ગામના અને મહેસાણા, અમદાવાદના નવ યુવાન દંપતીઓને વિદેશ મોકલવાની લાલચ આપી કોલકાતા અને દિલ્હીમાં ગોંધી રાખવામાં આવ્યા છે. ગાંધીનગર રેન્જ આઈજી અભય ચૂડાસમા અને જિલ્લા પોલીસવડા મયૂર ચાવડાએ બાતમીને ગંભીરતાથી લઈને એલસીબી પીઆઈ જેએચ સિંધવને તપાસનો દોર સોંપવામાં આવ્યો હતો, જેને પગલે એલસીબી પીઆઈ સિંધવ સ્ટાફના માણસો સાથે તાત્કાલિક હવાઈ માર્ગે કોલકાતા અને દિલ્હી રવાના થયા હતા, જ્યાં અલગ અલગ ટીમો દ્વારા હોટલોમાં સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેને માટે દિલ્હીની સ્પેશિયલ ટીમની મદદથી માણસાના પરિવારને લોકેટ કરવામાં આવ્યો હતો. વેસ્ટ બંગાલ એરપોર્ટ વિસ્તારમાં આશરે ત્રણસો હોટલોમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.
એક પછી એક પચાસ જેટલી હોટલમાં તપાસ કરતાં ભોગ બનનાર દંપતી સહિત પંદર પેસેન્જરોને છોડાવવામાં આવ્યા હતા. જેમને રેલ માર્ગે અને હવાઈ માર્ગે પરત લાવીને પૂછપરછ કરવામાં આવતાં એલસીબીને ચોંકાવનારી હકીકત સાંભળવા મળી હતી. અમદાવાદના એજન્ટ રાજેશ નટવરલાલ પટેલ થકી તમામ પેસેન્જરોને કોલકાતા – દિલ્હી મોકલી આપવામાં આવ્યા હતા અને ત્યાંના એજન્ટ સુનીલ રોય, સંતોષ રોય અને કમલ સિંધાનિયાએ પેસેન્જરોને ગોંધી રાખી તેમની સાથે અમાનવીય ત્રાસ ગુજાર્યો હતો. બંદૂકની અણીને યુગલોને તેમના પરિવાર સાથે ટેલિફોનિક વાત કરાવી તેઓ કેનેડા પહોંચી ગયા હોવાનું બોલાવી પરિવાર પાસેથી 2 કરોડ 31 લાખ ખંડણી ઉઘરાવી લીધાની હકીકત બહાર આવી હતી. આ સિવાય અમદાવાદ નવા નરોડાનો એજન્ટ રમેશ સોમા પટેલની પણ શંકાસ્પદ ભૂમિકા હોવાથી તેને પણ ઉઠાવી લઈ વધુ પૂછપરછ શરૂ કરાઈ છે.