ગુજરાતની શાળાઓમાં હવે ગુજરાતી ભાષા ફરજિયાત રહેશે. રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ 1 થી ધોરણ 8 સુધી ગુજરાતી ભાષા ફરજિયાત કરવામાં આવશે. આ માટે ગુજરાત સરકાર બજેટ સત્રમાં બિલ રજૂ કરશે. કેબિનેટે બિલના ડ્રાફ્ટને લીલી ઝંડી આપી દીધી છે. આ નિયમ રાજ્યમાં ચાલતી તમામ બોર્ડ સ્કૂલોને લાગુ પડશે.
તમને જણાવી દઈએ કે આ સંદર્ભમાં એક PILની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને તમામ વિદ્યાર્થીઓ માટે ગુજતારી ભાષા ભણવાની વ્યવસ્થા કરવા પણ કહ્યું હતું. સાથે જ પેપર લીકના મામલામાં સરકાર બિલ રજૂ કરી શકે છે.
તાજેતરમાં રાજ્યમાં જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર લીક થયું હતું અને તેના કારણે પરીક્ષા રદ કરવી પડી હતી. પરીક્ષા 29 જાન્યુઆરી 2023 ના રોજ યોજાવાની હતી અને તે જ દિવસે પેપર લીક થયું હતું.
આ પરીક્ષા માટે 9 લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી હતી. પરીક્ષાની નવી તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. આ ભરતી પરીક્ષા દ્વારા જુનિયર ક્લાર્કની કુલ 1100 થી વધુ ખાલી જગ્યાઓ ભરવાની હતી. હજુ સુધી પુનઃ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી નથી.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, પેપર લીક કેસમાં રજૂ થનારા બિલમાં 1 કરોડ રૂપિયાના દંડની સાથે 10 વર્ષ સુધીની જેલની જોગવાઈ હોઈ શકે છે. બીજી તરફ, જો કોઈ ઉમેદવાર પેપર લીક કેસમાં દોષી સાબિત થશે તો તે બે વર્ષ સુધી કોઈ પરીક્ષા આપી શકશે નહીં. પેપર લીકના કિસ્સામાં પેપર ખરીદનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવાની જોગવાઈ રહેશે.