ગત વર્ષે ગુજરાતના મોરબીમાં સર્જાયેલી પુલ હોનારત કેસમાં ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલે આગોતરા જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ મામલે આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પર બનાવવામાં આવેલો વર્ષો જૂનો કેબલ બ્રિજ અચાનક તૂટી પડ્યો હતો. જેના કારણે 135થી વધુ લોકોના મોત થયા હતા. વર્ષો જૂના આ બ્રિજને રિપેરિંગ બાદ તૂટ્યો તેના થોડા દિવસ અગાઉ જ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જે દિવસે પુલ દુર્ઘટના ઘટી તે સમયે પણ બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો હાજર હતા.
આ દુર્ઘટના માટે અત્યાર સુધી પુલના મેન્ટેનેન્સનું કામકાજ સંભાળી રહેલી ઓરેવા કંપનીને જ જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. ઓરેવા કંપની પર આરોપ છે કે, દુર્ઘટનાના દિવસે વધુ નફો રળવાના ચક્કરમાં વધારે ટિકિટો વેચી હતી. જેના કારણે બ્રિજ પર નિયમ કરતાં વધારે લોકો ઉમટી પડ્યા હતા, જેના કારણે પુલ તૂટી પડ્યો હતો. આટલુ જ નહીં, બ્રિજ ખુલ્લો મૂકતા પહેલા ફિટનેસ સર્ટીફિકેટ પણ નહતું મેળવવામાં આવ્યું. એવું પણ કહેવાય છે કે, જે સમયે પુલ તૂટ્યો, તે સમયે તેના પર 400થી વધુ લોકો હાજર હતા.
આ મામલે ગુજરાત હાઈકોર્ટે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલને નોટિસ પણ જારી કરી હતી. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સતત સુનાવણી ચાલી રહી છે. ગત સુનાવણીમાં પીડિત પરિવારોને યોગ્ય વળતર આપવાની વાત કહેવામાં આવી હતી. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાનું વળતર ઓછું છે.