મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ગ્રીન શિપ રિસાયક્લિંગનું હબ બનવા માટે ગુજરાત પાસે પૂરતું પોટેન્શ્યલ છે. ગ્રીન શિપ રિસાયક્લિંગ ક્ષેત્રે નવા સ્ટાર્ન્ડડ સેટ કરવાની ગુજરાતની નેમ છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં શિપ રિસાયક્લિંગ એન્ડ વ્હીકલ સ્ક્રેપ પોલિસી અંગેના ઇન્ટરનેશનલ સેમિનારમાં મુખ્ય અતિથિ તરીકે સંબોધન કર્યું હતું.
ભારત સરકારના શિપીંગ, પોર્ટસ-વોટર વેઝ મંત્રાલય તેમજ ગુજરાત મેરિટાઇમ બોર્ડ અને ફેડરેશન ઓફ ઇન્ડીયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આ દ્વિદિવસીય ઇન્ટરનેશનલ સેમિનાર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાઇ રહ્યો છે. ભારત સરકારના શીપીંગ, પોર્ટસ, વોટરવેઝ મંત્રી સર્બાનંદ સોનોવાલ તથા રાજ્યના શિક્ષણ સાયન્સ ટેક્નોલોજી મંત્રી જીતુભાઇ વાઘાણી તથા નોર્વે અને ડેન્માર્ક રાષ્ટ્રો સહિત ભારતના વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ આ ઇન્ટરનેશનલ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું કે, દેશનો સૌથી લાંબો ૧૬૦૦ કિ.મીટરનો દરિયા કિનારો ગુજરાત ધરાવે છે. એટલું જ નહિ, મેરિટાઇમ સેક્ટરમાં પ્રાચિન કાળથી વર્તમાન સુધીનો ગુજરાતનો ઉજ્જવળ અને સુદીર્ધ ઇતિહાસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત પોર્ટ લેડ ડેવલપમેન્ટની રાહે આગળ વધ્યું છે. દેશનું ૪૦ ટકાથી વધારે કાર્ગો ગુજરાતના બંદરોએથી સંચાલિત કરવામાં આવે છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
૧ મેજર તથા ૪૮ નોન મેજર પોર્ટસ ધરાવતા ગુજરાતના નોન મેજર પોર્ટસ પરથી ર૧-રર ના વર્ષમાં ૪૦પ મિલીયન મેટ્રીક ટન કાર્ગો પરિવહન થયું છે તેનો પણ મુખ્યમંત્રીએ ગૌરવ સહ ઉલ્લેખ કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સુગ્રથિત ઇન્ફ્રાસ્ટ્રકચર અને કનેક્ટીવીટીના પરિણામે લીડસ ઇન્ડેક્ષમાં ત્રણ વર્ષથી ગુજરાત પ્રથમ રહ્યું છે. આ ઉપરાંત પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાનમાં પણ ગુજરાત ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યું છે. દેશના ગ્રોથ એન્જીન એવા ગુજરાતમાં શિપ રિસાયક્લિંગ ઉદ્યોગોને વિકસવાનો પૂરો અવકાશ મળી રહે તેમ છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, પહેલાં શિપ બ્રેકીંગનો જમાનો હતો હવે શીપ-રિસાયક્લિંગ અને ગ્રીન શિપ રિસાયક્લિંગનો સમય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આને સુસંગત શિપ રિસાયક્લિંગ એકટ-ર૦૧૯ ઘડીને દેશમાં ગ્રીન શિપ રિસાયક્લિંગ ઉદ્યોગના દ્વાર ખોલી આપ્યા છે એમ તેમણે ઉમેર્યુ હતું. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, જેમ શિપ-બ્રેકીંગ, રિસાયક્લિંગ ક્ષેત્રે ગુજરાતના અલંગનો દબદબો છે તેવી જ રીતે ગ્રીન શિપ રિસાયક્લિંગમાં પણ અલંગ અગ્રેસર રહેશે.