- મણિનગરના ભરચક વિસ્તારમાં પબ્લિક ગાર્ડનમાં હુક્કા પાર્ટી
- જાગ્રત યુવતીએ વીડિયો ઉતાર્યો, પોલીસ તપાસના આદેશ
- બિનધાસ્ત હુક્કા પાર્ટી કરતા લોકોને કારણે અન્ય નાગરિકો ગાર્ડનમાં જતાં ફફડે છે
ગુજરાતમાં ઘણા સમયથી દારૂ અને ડ્રગ્સની વધી રહેલી બદી સામે આવી રહી છે. ત્યારે બેફામપણે જાહેર સ્થળો પર પણ નશો કરતા લોકોને કાયદાનો કોઈ ડર રહ્યો નથી. અમદાવાદના મણિનગરમાં પબ્લિક ગાર્ડનમાં કેટલાક બેફામ બનેલા ટપોરીઓ રીતસર હુક્કાની મહેફિલ માણી રહ્યા છે. આ પાર્કમાં અનેક મહિલાઓ બાળકો સાથે સવાર-સાંજ આવે છે. ત્યારે આવા ટપોરીઓને કારણે તેમને અનેક વખત હેરાનગતીનો સામનો કરવો પડે છે. આ ગાર્ડનમાં એક મહિલાએ હિંમતભેર હુક્કા પાર્ટી કરતા ટપોરીઓનો વીડિયો ઉતારી લીધો હતો. હવે આ ઘટનામાં પોલીસ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.
ગુજરાતનુ યુવાધન બરબાદીના રવાડે ચઢી રહ્યુ છે. યુવાધન નશાના ધુમાડામાં વહી રહ્યા છે. જો સમયસર લગામ લગાવવામાં નહિ આવે તો ગુજરાતનુ ભવિષ્ય બરબાદ થઈ જશે. અત્યાર સુધી અમદાવાદના કેટલાક કેફેની બહાર ડ્રગ્સ વેચાતુ હતું. ત્યારે હવે તો અમદાવાદમાં જાહેરમાં હુક્કો પીવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. અમદાવાદના એક ગાર્ડનમાં જાહેરમાં હુક્કા પીવાતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. માંડ 14-15 વર્ષના કિશોરો મણિનગર જેવા ભરચક વિસ્તારના એક ગાર્ડનમાં હુક્કો પીતા પકડાયા હતા. એક જાગૃત મહિલાએ તેનો વીડિયો બનાવીને શેર કર્યો છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારના ઇસનપુર આવકાર હોલ પાસે એક ગાર્ડન આવેલું છે. રવિવારની રજામાં જ્યારે આખા ગાર્ડનમાં ભીડ હતી, ત્યાં કેટલાક કિશોરો જાહેરમાં જ હુક્કા પીતા હતા. કેટલાક જાગૃત નાગરિકોએ કિશોરોના આ પ્રવૃત્તિ કરતા અટકાવ્યા હતા. ગાર્ડનમા આવતા અન્ય બાળકો પર તેની વિપરીત અસર પડે તેથી જાગૃત નાગરિકોએ તેમને અટકાવ્યા હતા. ત્યારે કિશોરો ત્યાંથી જતા રહ્યા હતા. જોકે, આ કિશોરોમાં કોઈ પ્રકારના ગભરાટ કે સંકોચ દેખાયો ન હતો. લોકોના વઢવા પર તેઓ હુક્કો પીતા પીતા જ ત્યાંથી નીકળી ગયા હતા.
જે મહિલાએ આ વીડિયો બનાવ્યો તેણે કહ્યુ કે, હુ દર રવિવારે મારા સંતાનોને લઈને અહી આવુ છું. અહી સ્મોકિંગ તો આસપાસ થતુ જ હોય છે. પહેલીવાર મેં અહી યુવકોને હુક્કો પીતા જોયા હતા. મેં તેમને ટોક્યા હતા. આ રવિવારે ફરીથી આવુ બન્યુ છે. આ વખતે મેં તેમનો વીડિયો ઉતાર્યો હતો. અમે ગાર્ડનમાં સંતાનોને રમાડવા માટે લઈ આવીએ છીએ ત્યારે તેઓ આવુ જુએ તો તેમના માનસ પર ખોટી અસર પડે. નાના બાળકો આ વિશે સવાલ પૂછે કે આ યુવકો શુ કરતા હતા, તો અમે શુ જવાબ આપવો.
આ વિસ્તારમાં રહેતી એક મહિલાએ હિંમત કરીને ગાર્ડનમાં હુક્કાપાર્ટી કરતા ટપોરીઓનો વીડિયો ઉતારી લીધો હતો.
આ વીડિયોમાં ચાર-પાંચ છોકરા હાથમાં હક્કો લઈને ગાર્ડનમાં ઘૂસે છે અને જાહેરમાં બેસીને બેસીને હુક્કાની મજા માણે છે. આ સમગ્ર ઘટનાથી કેટલાક લોકો ગાર્ડન છોડીને જતા રહે છે. વીડિયો ઉતારનાર મહિલાએ જણાવ્યું હતું કે આ ગાર્ડનમાં હું નિયમિત આવું છું અને અન્ય લોકો પણ મોર્નિંગ વોક કરવા માટે આવતા હોય છે. ગાર્ડનમાં આવા લોકો ઘૂસી ગયા બાદ લોકો ત્યાં જતાં હવે ફફડે છે. આ બનાવ અંગે ઇસનપુર પોલીસ સ્ટેશનના PI ડીડી ગોહિલે જણાવ્યું હતું કે હું આ પ્રકરણમાં તપાસ કરાવું છું.