૩૧,૦૩૫ નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે
ગુજરાતમાં વરસાદે મચાવી ભયંકર તબાહી
વરસાદને લીધે જે લોકોના મોત થયા છે તેમના માટે સરકારે 4 લાખની સહાયની જાહેરાત કરી છે
જૂનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, વલસાડ અને નવસારીમાં ભારે થી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વરસાદે ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા સહાયને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં ૩૧,૦૩૫ નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. જે પૈકી ૨૧,૦૯૪ નાગરિકો હજુ આશ્રયસ્થાનોમાં છે જ્યારે ૯,૮૪૮ નાગરિકો પાણી ઓસરતા પરત ઘરે ફર્યા છે. તે તમામ માટે ભોજન સહિતની તમામ વ્યવસ્થાઓ પૂરી પાડી યોગ્ય માવજત કરવામાં આવી છે.
પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ખેડામાં 5 લોકોના વરસાદને લીધે મૃત્યુ થતાં તેમણે 20 લાખની સહાય ચૂકવાઈ ગઈ છે. આ સાથે જ સરકારી આંકડા મુજબ 31 લોકોના વરસાદને લીધે મોત થયું છે. જેમણે તાત્કાલિકના ધોરણે સહાય આપવા આદેશ કરવામાં આવ્યા છે.
આમ જોવા જઈએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં ૮૩ માનવ મૃત્યુ નોંધાયા છે જેમાં સૌથી વધુ મૃત્યુ વીજળી પડવાથી થયા છે. પણ સરકારના ધારાધોરણ મુજબ 31 લોકોને સહાય ચૂકવાશે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ માનવ મૃત્યુ થયા છે જેમાં બેના ઝાડ પડવાથી, બેના વીજળી પડવાથી અને ૯ના પાણીના વહેણમાં ડુબી જવાથી મૃત્યુ થયા છે. એક પણ મૃત્યુ વહીવટી તંત્રના વાંક કે નિષ્કાળજીના પરિણામે થયા હોવાનું ધ્યાને આવ્યું નથી.
ગુજરાતમાં વરસાદને લીધે જે લોકોના મોત થયા છે તેમના માટે સરકારે 4 લાખની સહાયની જાહેરાત કરી છે. દુધાળા પશુ માટે 20 હજારની સહાયની તો ઘેટાં બકરા માટે 4000ની સહાય આપવામાં આવી છે. તમામ કલેકટરને તત્કાલિક સહાય ચૂકવાના આદેશ કરવામાં આવ્યા છે. સવારે જૂનાગઢ 88 મિમી, ગીર સોમનાથ 58, ડાંગ 52 મિમી વરસાદ પડ્યો છે. ડાંગના વાસદ અને સુમિરમાં વરસાદ વધ્યો હોવાની માહિતી પણ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આપી છે.