ચૂંટણીમાં પછાત વર્ગોના પ્રતિનિધિત્વને લઇ મોટો નિર્ણય
રાજ્ય સરકારે સ્વતંત્ર પંચની રચના કરી
નિવૃત જસ્ટીસ કે.એસ.ઝવેરીની અધ્યક્ષતામાં પંચની રચના
ચૂંટણીમાં પછાત વર્ગોના પ્રતિનિધિત્વને લઇને ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે. વિગતો મુજબ ગુજરાત સરકારે સ્વતંત્ર પંચની રચના કરી છે. જેને લઈ હવે પંચની ભલામણને આધારે લોકલ બોડી ઇલેક્શનમાં અનામત નક્કી કરાશે. નોંધનિય છે કે, નિવૃત્ત જસ્ટીસ કે.એસ.ઝવેરીની અધ્યક્ષતામાં પંચની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અન્ય પછાત વર્ગોને પૂરતું પ્રતિનિધિત્વ મળે તે હેતુસરના સુપ્રિમ કોર્ટના નિર્દેશ મુજબની કાર્યવાહી માટે એક સ્વતંત્ર પંચની રચના કરવાનો નિર્ણય કર્યો છે.આ પંચના અધ્યક્ષ તરીકે ગુજરાત હાઇકોર્ટના નિવૃત ન્યાયાધિશ કે.એસ. ઝવેરી રહેશે.
આ સ્વતંત્ર પંચ સ્થાનિક સ્વરાજ્યના એકમોમાં અન્ય પછાત વર્ગોની બેઠકો નક્કી કરતા પહેલાં આવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પછાતપણાના સ્વરૂપ અને અસરોનો તેમજ તેની રાજનીતિક સ્થિતી અનુસાર આંકડા એકત્ર કરીને અને તેનું વિશ્લેષણ કરીને સંપૂર્ણ અને કાળજીપૂર્વકનો અભ્યાસ કરવા માટે રચવામાં આવેલુ છે. અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, આ સ્વતંત્ર પંચની ભલામણોના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા મુજબ લોકલ બોડી વાઇઝ અનામત પ્રમાણને નક્કી કરવાનો સુપ્રિમ કોર્ટે નિર્દેશ આપેલો છે.
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં OBC અનામતને લઇને ઉનાના ધારાસભ્ય પૂંજા વંશએ CMને પત્ર લખ્યો હતો. પૂંજા વંશે પત્રમાં જણાવ્યું હતું કે, ‘ચૂંટણીપંચે કલેક્ટરને પાઠવેલા પત્ર મુજબ 10 ટકા OBC અનામત નહીં રહે. 2021માં મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશે OBC અનામતના અમલ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને સમિતિ રચી વસ્તીના આધારે માપદંડ નક્કી કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ 6 મહિના બાદ પણ રાજ્ય સરકારે કોઈ કાર્યવાહી ન કરી.’