- નવા બજેટમાં ગુજરાતને મળશે નવા લાભ
- ગિફ્ટમાં યુનિવર્સિટી, હીરા ઉદ્યોગને રાહત નદીઓનું ઇન્ટરલિન્કિંગ
- ડાયમંડ પર કસ્ટમ ડ્યૂટી 7.50%થી ઘટાડી 5% કરાઈ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાની બજેટ સ્પીચમાં ગુજરાતને લઈ કેટલીક ખાસ જાહેરાતો કરી છે, જેમાં ગિફ્ટ-સિટીને લઈ મોટી જાહેરાતો, નદીઓના ઇન્ટરલિન્કિંગ, રાજ્યને એક લાખ કરોડ રૂપિયાની વ્યાજ વગરની લોન ઉપરાંત સુરતના ડાયમંડ માર્કેટને પ્રોત્સાહિત કરતી જાહેરાતોનો સમાવેશ થાય છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય બજેટ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે સ્થાનિક વ્યવસાયો અને પુરવઠા શૃંખલાઓને મદદરૂપ થવા વન સ્ટેશન વન પ્રોડક્ટનો અભિગમ લોકપ્રિય બનશે. તેમણે ઉમેર્યું કે હાલમાં સહકારી મંડળીઓએ ઓલ્ટરનેટિવ મિનિમમ ટેક્સ 18.5% ચૂકવવો પડે છે તે હવે ઘટાડીને 15% કરવામાં આવ્યો છે તેમજ 1 થી 10 કરોડ સુધીની આવક ધરાવતી કો-ઓપરેટિવ સોસાયટીઝ પરનો સરચાર્જ 12%થી ઘટાડીને 7% કરવામાં આવ્યો છે. આ તરફ બજેટમાં સરકારે રફ ડાયમંડ પરની આયાત ડ્યૂટી ઘટાડી 5 ટકા કરવામાં આવતા ગુજરાતમાં સુરત વૈશ્વિક સ્તરે ડાયમંડ હબ તરીકે ઉભરી આવશે.
સૌરાષ્ટ્ર-ગુજરાતના ઇમિટેશન જ્વેલરીને ડ્યૂટીના ભારણથી ફટકો પડશે. બજેટમાં રફ ડાયમંડ પરની ડ્યૂટીમાં ઘટાડો કરાયો હોવાથી ગુજરાતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને વેગ મળશે. ગુજરાતનું બે લાખ કરોડથી વધુનું ડાયમંડ માર્કેટ છે. ડ્યૂટી ઘટાડાથી રોજગારી સર્જાશે. સુરત ડાયમંડ બુર્સમાં રોકાણ આવશે અને વેપાર વધશે.
બજેટમાં ઇમિટેશન જ્વેલરીની આયાત ડ્યૂટી એક કિલો રો-મટીરિયલ્સમાં 100 રૂપિયા હતી જે હવે 400 રૂપિયા કરાઈ છે. દેશમાં 65,000 કરોડના માર્કેટમાંથી ગુજરાતનું ઇમિટેશન જ્વેલરી માર્કેટ સરેરાશ 25,000 કરોડનું છે. કાચા માલની ડ્યૂટીના ભારણથી વેપારમાં અવરોધ આવી શકે તેવું અગ્રણી ટ્રેડરોનું કહેવું છે. બજેટ 2022માં દેશની પાંચ નદીઓને લિંન્ક કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજ્યની દમણગંગા-પિંજલ તથા તાપી-નર્મદાનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ માટેના ડ્રાફ્ટ ડીપીઆરને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. રાજ્યો વચ્ચે સર્વસંમતિ બાદ પ્રોજેક્ટ આગળ વધશે. નાણામંત્રીએ પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાન અંતર્ગત રાજ્ય સરકારોને નવા રોકાણને આકર્ષવા માટે 50 વર્ષ માટે 1 લાખ કરોડ રૂપિયાની વ્યાજમુક્ત લોન આપવાની જાહેરાત કરી છે. આ લોન સામાન્ય લોન ઉપરાંતની હશે.