- ગુજરાતનું બજેટ ઓનલાઇન રજૂ કરવાના અરમાન અધૂરા રહેશે
- નાણામંત્રી કનુભાઈ બપોરે 1 વાગે ગૃહમાં બજેટ રજૂ કરશે
- આ બજેટ અંદાજે રૂ. 2.35 લાખ કરોડનું રહેવાની સંભાવના છે
ગુજરાત વિધાનસભામાં આ વખતનું બજેટ ઓનલાઇન રજૂ કરવા માટે સરકારના કેટલાક અધિકારીઓએ રાતે ઉજાગરા કર્યા પણ અંતે ઓનલાઈન અંદાજપત્ર રજૂ કરવાના અરમાન અધૂરા રહી ગયા છે.બજેટ ઓનલાઇન રજૂ કરવા માટે છેલ્લા કેટલાક દિવસોથી સચિવ કક્ષાના અધિકારીઓએ તેમની ટીમ સાથે મોડી રાત સુધી ઉજાગરા કરીને IFMS-2 નામના સોફ્ટવેર મારફતે બજેટ ઓનલાઈન કરવા માટે તનતોડ મહેનત કરી હતી, જેમાં બજેટ લક્ષી કેટલીક ઝીણી ઝીણી બાબતો કેટલાક વિભાગો માંથી સમયસર અને વ્યવસ્થિતના આવતા સંપૂર્ણ બજેટને સોફ્ટવેરમાં સમાવવામાં મોડું થઈ ગયું હતું. પરિણામે ફરી એકવાર ગુજરાતનું બજેટ ઓનલાઈન રજૂ કરવામાં સરકાર ઉણી ઉતરી ગઈ છે. જેથી આજે 12 વાગે વિધાનસભાની કાર્યવાહી શરૂ થયા બાદ એક કલાકની પ્રશ્નોત્તરી પછી એટલે કે 1 વાગે નાણામંત્રી બજેટ રજૂ કરશે.આ બજેટની સૌથી રસપ્રદ બાબત એ છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાનું પ્રથમ બજેટ છે. આ બજેટ અંદાજે રૂ. 2.35 લાખ કરોડનું રહેવાની સંભાવના છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનું આ પ્રથમ બજેટ સત્ર સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તોફાની બની રહેવાની પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે. એટલું જ નહીં, ગુજરાત વિધાનસભાની આવી રહેલી ચૂંટણીઓ પહેલા મળતું આ સત્ર ભાજપ અને કોંગ્રેસ માટે પણ મહત્વનું સાબિત થઈ શકે છે. એક તરફ રાજ્ય સરકાર ફુલગુલાબી બજેટ રજૂ કરવા માટે મથામણ કરી રહી છે. તો બીજી બાજુ આ સત્ર દરમિયાન વિપક્ષ સરકારને વિવિધ મોરચે ભીડવવા માટે તખ્તો તૈયાર કરી રહ્યું છે. Gujarat Budget 2022
ગુજરાત વિધાનસભામાં આજે રાજ્યના નાણામંત્રી કનુભાઇ દેસાઇ તેમની રાજકીય કારકિર્દીમાં પ્રથમ વખત આગામી વર્ષ 2022-23નું આ બજેટ રજૂ કરવાના છે ત્યારે આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત હોવાથી તેમના બજેટમાં ચૂંટણીલક્ષી છાંટ વર્તાય તેવી સંભાવના છે.
વિવિધ સમાજ અને વિસ્તારને ધ્યાને લઇ બજેટમાં જનકલ્યાણની અનેક યોજનાઓ જાહેર થવાની સંભાવના છે. બજેટના કદમાં વર્તમાન નાણાકીય વર્ષની સરખામણીએ 10 થી 12 ટકાનો વધારો દર્શાવાઇ રહ્યો છે. આ સાથે વીજશુલ્ક અને સ્ટેમ્પડ્યુટી જેવા રાજ્ય સરકારના કરમાળખામાં લોકોને રાહત મળે તેવા પગલાં સૂચવાયા હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં સૌથી વધુ એટલે કે 18 વખત બજેટ અને લેખાનુદાન રજૂ કરવાનો વિક્રમ એકમાત્ર વજુભાઇ વાળાનો છે. તેમના પછી તત્કાલિન નાણામંત્રી નીતિન પટેલે રાજ્યમાં 9 બજેટ રજૂ કર્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 77 બજેટ રજૂ થયાં છે.