ભારત સરકારના કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર મંત્રાલય તથા ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ દ્વારા મુંબઈમાં ત્રિદિવસીય ઈન્ડિયા કેમ-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યુ હતુ, કે વર્ષ ૨૦૨૩-૨૪માં દેશમાંથી કેમિકલ્સ-પેટ્રોકેમિકલ્સની કુલ નિકાસના ૩૧ ટકા શેર સાથે ગુજરાત પ્રમુખ નિર્યાતકાર રાજ્ય બન્યુ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગુજરાતે પાછલા બે દશકમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ સેક્ટરમાં અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. સુદ્રઢ ઔદ્યોગિક અને લોજિસ્ટીક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પરિણામે ગુજરાત ભારતનું પેટ્રો કેપિટલ – પેટ્રો હબ બની શક્યુ છે. આ સાથે ગુજરાતે કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ સેક્ટરમાં લીડીંગ સ્ટેટ તરીકે મેળવેલી ઉપલબ્ધિઓની પ્રભાવક પ્રસ્તુતિ આ કોન્ફરન્સમાં કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ દ્વિવાર્ષિક આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને પરિષદના ૧૩માં સંસ્કરણમાં સહભાગી થયા હતા. કેન્દ્રીય આરોગ્ય પરિવાર કલ્યાણ તથા કેમિકલ એન્ડ ફર્ટીલાઈઝર મંત્રીશ્રી જગત પ્રકાશ નડ્ડા, રાજ્યમંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલ તેમજ મધ્યપ્રદેશ અને ઓડિશાના મુખ્યમંત્રીશ્રીઓ પણ ઈન્ડિયા કેમ-૨૦૨૪માં જોડાયા હતા.