ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પરથી મૂળ શ્રીલંકન એવા ISISના ચાર આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આતંકવાદીઓ સ્લીપર સેલ છે કે નહીં તે અંગેની તપાસ એટીએસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર, સેન્ટ્રલ એજન્સી તરફથી ગુજરાત એટીએસની ઇનપુટ મળ્યા હતા. જેના પગલે એરપોર્ટ પર એટીએસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી અને મૂળ શ્રીલંકન નાગરિક એવા ચાર શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. ઝડપાયેલા આ ચાર શખ્સોનું ગુજરાતમાં કે અન્ય કોઇ રાજ્યમાં કનેક્શન છેકે નહીં તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે.
અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા કેટલાક સમયથી ગોલ્ડ સહિતની વસ્તુઓના સ્મગ્લિંગને લઇને સેન્ટ્રલ એજન્સી પર સઘન વોચ રાખવામાં આવી હતી. એ દરમિયાન એક સેન્ટ્રલ એજન્સી દ્વારા ગુજરાત એટીએસ સાથે કેટલાક ઇનપુટ શેર કરવામાં આવ્યા હતા. જેના પગલે એટીએસની ટીમ દ્વારા એરપોર્ટ પર વોચ ગોઠવવામાં આવી હતી. જે દરમિયાન એક શકમંદ નજરે પડતા તેની સઘન પૂછપરછ કરાઈ હતી અને કુલ ચાર શખ્સોના નામ સામે આવ્યા હતા. ઝડપાયેલા ચારેય શખ્સો આઇએસઆઇએસના છે અને ઘણા સમયથી આ આતંકવાદી સંગઠનમાં સક્રિય હતા.
21 અને 22 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલની બે મેચ રમાનારી છે. તેવામાં આજે અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓ ઝડપાતા પોલીસ એલર્ટ થઇ છે. એરપોર્ટ પર હાલ હાઇ એલર્ટ જેવી સ્થિતિ છે. નોંધનીય છેકે, થોડા સમય પહેલા લોકસભા ચૂટણી 2024ની ગુજરાતની બેઠકો માટે થયેલા મતદાન પૂર્વે 16 જેટલી સ્કૂલોને ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઇલ પર મળ્યો હતો. એ સમયે પોલીસે સ્કૂલની સુરક્ષા વ્યવસ્થા વધારી હતી અને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.