ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022(Gujarat assembly election 2022)ના બીજા તબક્કાના 14 જિલ્લાની 93 બેઠકો પર આજે સવારે 8 વાગ્યાથી શરૂ થયું છે. લોકોના અનેરા ઉત્સાહ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું છે.
વડાપ્રધાનને જોવા લોકોનો મેળાવડો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીવારમાં રાણીપની નિશાન સ્કૂલ ખાતે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચશે. રાણીપ ખાતે વડાપ્રધાનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ પહોંચ્યા છે. સાબરમતી વિધાનસભાના ભાજપના ઉમેદવાર ડોક્ટર હર્ષદ પટેલ પણ રાણીપની નિશાન સ્કૂલ ખાતે પહોંચી ચૂક્યા છે.
ટ્વીટ કરીને લોકોને મતદાન આપવા અપીલ કરી
PM મોદીએ આજે સવારે ટ્વીટ કરીને લોકોને વોટ કરવા અપીલ કરી હતી. તેમણે પોતાની ટ્વીટમાં લખ્યું કે, “ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં સૌ નાગરિકોને, ખાસ કરીને યુવા તેમજ મહિલા મતદારોને, અચૂક મતદાન કરવા માટે અનુરોધ કરું છું. હું સવારે 9 વાગ્યે અમદાવાદમાં મારો મત આપીશ.”
PM નરેન્દ્ર મોદી ગઈકાલે અમદાવાદ આવ્યા બાદ ત્યાંથી સીધા ગાંધીનગર જવા રવાના થઈ ગયા હતા. જ્યાં ગાંધીનગરના રાયસણ સ્થિત વૃદાંવન બંગલોઝમાં વડાપ્રધાન પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતા હીરાબાના આશીર્વાદ મેળવ્યા હતા. આ સાથે જ વડાપ્રધાને માતા સાથે ચા પણ પીધી હતી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ઉત્તર પ્રદેશમાં ભવ્ય જીત મેળવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા હતા. તે સમયે બે વર્ષ બાદ વડાપ્રધાને માતા હીરા બા સાથે મુલાકાત કરી હતી. વર્ષ 2019માં લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ રચ્યા બાદ નરેન્દ્ર મોદી માતાને મળ્યા હતા જો કે તે પછી વડાપ્રધાન મોદી પોતાના કામકાજમાં વ્યસ્ત થઈ જતાં તેમની માતા સાથે મુલાકાત નહતી થઈ શકી. એવામાં હવે જ્યારે તેઓ મતદાન કરવા માટે ગુજરાત આવ્યા છે, ત્યારે તેમણે માતા હીરાબાને મળવા માટે સમય નીકાળ્યો હતો.