ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે, અત્યાર સુધીમાં ટ્રેન્ડમાં 152 બેઠકો પર ભાજપ આગળ છે. જ્યારે કોંગ્રેસ 19 અને આપ 07 બેઠકો પર જ્યારે અપક્ષ 04 બેઠકો પર આગળ છે.
ત્યારે રાજકોટ દક્ષિણની વાત કરીએ તો અહીં ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળાની 50749 મતો સાથે ભવ્ય જીત થઈ છે. જ્યારે કોંગ્રેસના હિતેશ વોરાને 13724 મત મળ્યા છે અને આપના શિવલાલ બારસિયાને 12160 મત મળ્યા છે. ત્યારે 37 હજારથી પણ વધારે મતોથી રમેશ ટીલાળાની રાજકોટ દક્ષિણ બેઠક પર જીત થઈ છે.
રાજકોટ દક્ષિણ
રાજકોટમાં વર્ષોથી વિપક્ષો પરિવર્તન કરી શક્યા નથી, પરંતુ, આ વખતે ભાજપે જ નેતૃત્વ અને ઉમેદવારોમાં મોટું આંતરિક પરિવર્તન કર્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૃપાણી, મંત્રી અરવિંદ રૈયાણી, ત્રણ ટર્મથી ચૂંટાતા ધારાસભ્ય ગોવિંદ પટેલ, નિતીન ભારદ્વાજ, કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરીથી માંડીને અનેક મજબૂત અને વર્ષો જુના દાવેદારોના પત્તા કાપ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજયરૂપાણીનું હોમ ટાઉન ગણાતા રાજકોટ જિલ્લાની આ મહત્ત્વની બેઠકો પર આ વખતે ભાજપમાં જ અસંતોષ રહ્યો છે. રાજકોટ દક્ષિણની બેઠક પર આયાતી ઉમેદવાર સામે લોકોની નારાજગી પણ રહી છે.
રાજકોટ દક્ષિણની બેઠક ઉપર અંડર કરંટનો ભય
સૌરાષ્ટ્ર સહિત રાજકોટ દક્ષિણની બેઠક ઉપર અંડર કરંટનો ભય રહેતા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી. આર. પાટીલની જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સી. આર. પાટીલની જનસભા રાજકોટ વિધાનસભા ક્ષેત્ર 70 એટલે કે દક્ષિણ વિધાનસભા ક્ષેત્રમાં ઉમેદવાર રમેશ ટીલાળાના પ્રચાર પ્રસાર અર્થે કરવામાં આવી હતી.
રાજકોટ દક્ષિણ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ રમેશ ટીલાળાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા રાજકોટ દક્ષિણ બેઠકના ઉમેદવાર રમેશ ટીલાળાએ પોતાના સોગંદનામામાં સૌથી વધુ 170 કરોડથી વધુની સંપતિ ધરાવનાર ધનિક ઉમેદવાર છે. કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે હિતેષ વોરાને સર્વે સમાજનું પ્રચંડ સમર્થન મળ્યું છે.
આયાતીનું લેબલ લાગેલું હોવાથી ભાજપ માટે આ બેઠક જીતવી કઠિન
રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપે રમેશ ટીલાળાને ટિકિટ આપી છે, પરંતુ એના પર આયાતીનું લેબલ લાગેલું હોવાથી ભાજપ માટે આ બેઠક જીતવી કઠિન રહેશે. રમેશ ટીલાળાની વ્યક્તિગત ઇમેજ સારી હોવા ઉપરાંત મોટા ભાગના વર્ગમાં સારી એવી નામના ધરાવે છે, પરંતુ આ વખતે પ્રજાપતિ, બ્રાહ્મણ, લોહાણા સહિતના ઉજળિયાત વર્ગનો ખોફ વહોરવો પડે એવી પણ પૂરેપૂરી સંભાવનાઓ છે. છેલ્લા ઘણા વર્ષોથી ભાજપમાં પાથરણા ઉપાડવા વાળા તેમજ વર્ષોથી ભાજપ પક્ષ માટે ગાંઠનું ગોપીચંદન કરી રાત દિવસ સતત દોડતા રહેનાર કાર્યકર્તાઓને સંપૂર્ણ પણે સાઇડ લાઇન કરી તેમને વિશ્વાસમાં લીધા વગર ભાજપ સાથે સ્નાન સુતકનો પણ સંબંધ ન હોય તેવા બહારના અને આયાતી વ્યકિતને ભાજપની ટીકીટ આપી દેવામાં આવી છે. જેને કારણે કાર્યકરોમાં વ્યાપક નારાજગી જોવા મળી હતી.
આયાતી ઉમેદવારની જાન ને લીલા તોરણે પાછા વળાવવા માટે ભાજપના જ કાર્યકર્તાઓ કટ્ટીબઘ્ધ
આ વખતે રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકમાં ભાજપના કાર્યકર્તાઓમાં વિસ્ફોટ થયો છે અને કોઇપણ ભોગે આયાતી ઉમેદવારની જાન ને લીલા તોરણે પાછા વળાવવા માટે ભાજપના જ કાર્યકર્તાઓ કટ્ટીબઘ્ધ બન્યા છે . જેનો પડઘો નાના સમાજોની જે જુથ મીટીંગો મળતી તેમાં જોવા મળ્યો હતો.
રાજકોટ શહેરના દક્ષિણ વિધાનસભા બેઠક પર, વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ દક્ષિણ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસે રાજકોટ જિલ્લાના પૂર્વ પ્રમુખ દિનેશ ચોવટીયાને ટિકિટ આપી હતી. પાટીદાર અનામત આંદોલનના કારણે દિનેશ ચોવટીયાને પોતે જીતીને ધારાસભ્ય બની જશે, તે પ્રકારના ઓરતા હતા. તેમની સીધી જ ટક્કર પીઢ તેમજ વરિષ્ઠ ભારતીય જનતા પાર્ટીના નેતા ગોવિંદ પટેલ સામે થઈ હતી. ગોવિંદ પટેલ 47121 મતોથી વિજયી થઈને વિધાનસભા પહોંચ્યા હતા. વર્ષ 2012માં પણ ગોવિંદ પટેલ કોંગ્રેસના મિતુલ ડોંગા સામે વિજયી થયા હતા. વર્ષ 2012માં જીતનું માર્જીન 28477 મતોનું રહ્યું હતું.