ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પોતાની જીત સુનિશ્ચિત કરવાના આશય સાથે તમામ રાજકીય પક્ષોએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી. રાજ્યમાં શાસક પક્ષ ભાજપ માટે આ ચૂંટણી ખૂબ મહત્વની હતી. વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું આ ગૃહ રાજ્ય છે. સાથે જ કોંગ્રેસ માટે પોતાની સાખ બચાવવા માટે આ ચૂંટણી જીતવી જરૂરી માનવામાં આવી રહી હતી. આવી સ્થિતિમાં ઘણી વિધાનસભાની સીટ પર મુખ્ય રાજકીય પક્ષોની ચાંપતી નજર હતી. દ્વારકા વિધાનસભા બેઠક પણ આ મહત્વની વિધાનસભા બેઠકો પૈકીની એક હતી. ભાજપનો અભેદ્ય ગઢ ગણાતી દ્વારકા બેઠક પર કબજો કરવા માટે અને સાત વખત ધારાસભ્યની ચૂંટણી જીતેલા કદાવર નેતા પબુભા માણેકને ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટીએ લખમણ નકુમને ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા, જ્યારે કોંગ્રેસ મુળુ કંડોરિયાને ટિકિટ આપી હતી.
15 વર્ષથી ભાજપના કબજામાં દ્વારકા સીટ
દ્વારકા વિધાનસભા બેઠકને ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે અને 2007, 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક ભાજપના ઉમેદવારે જીતી હતી. દ્વારકા વિધાનસભા બેઠક ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવે છે. 2017માં ભાજપની ટિકિટ પર પબુભા વિરમભા માણેક ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમનો ઈતિહાસ કંઈ આ રીતે છે પબુભા માણેક 1990થી સતત દ્વારકામાંથી જીતતા આવ્યા છે. તેઓ અપક્ષ તરીકે પ્રથમ ત્રણ ચૂંટણી જીત્યા હતા તો ત્યારબાદ 2002માં પંજાના નિશાન પર ચૂંટણી જીત્યા હતા તેમજ ત્યારબાદ પબુભા માણેક પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા હતા અને જેઓ વર્ષ 2007, 2012 અને 2017ની ચૂંટણીમાં વિજયી થયા હતા.
7 ટર્મથી ચૂંટણી નથી હાર્યા પબુભા માણેક
ગુજરાતના ચૂંટણી જંગમાં આ વખતે પણ ભાજપે પબુભા વિરમભા માણેકને ઉમેદવાર બનાવ્યા હતા. 2017ની ચૂંટણીમાં પબુભા માણેકે કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરૈયાને હરાવ્યા હતા. પબુભાને 73,431 મત મળ્યા હતા, તેમની સામે કોંગ્રેસના ઉમેદવારને 67,692 મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારની આ બેઠક પર 5739 મતોથી હાર થઇ હતી. 2017માં થયેલી ચૂંટણીમાં ભાજપના નેતા પબુભા માણેક ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2017ની વિધાનભાની ચૂંટણીમાં એક ડઝનથી વધુ ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું, પરંતુ માત્ર ભાજપના ઉમેદવારનો જ વિજય થયો હતો. છેલ્લી 6 ટર્મથી પબુભા માણેકને કોઈ હરાવી શક્યું નથી.