ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ દરેકની નજર સુરતની મજૂરા વિધાનસભા બેઠકના ચૂંટણીના પરિણામ પર હતી. કારણ કે આ બેઠક પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ચૂંટણી લડી રહ્યા હતા. 2008નાં સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી મજૂરા બેઠક એ ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીનો મતવિસ્તાર હોવાથી આ બેઠકને હાઈ પ્રોફાઈલ માનવામાં આવતી હતી. આ બેઠક પર હર્ષ સંઘવીની સામે કોંગ્રેસે બળવંત જૈનને મેદાનમાં ઉતાર્યા હતા. તો આમ આદમી પાર્ટીએ PVS શર્માને ટિકિટ આપી હતી.
દક્ષિણ ગુજરાતમાં 1લી ડિસેમ્બરે મતદાન યોજાયું હતું. દક્ષિણ ગુજરાતમાં કુલ 66.62 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં મજૂરા બેઠક પર કુલ 58.07 મતદાન નોંધાયું હતું. મતદાનના આંકડાઓએ ભાજપ, કોંગ્રેસ અને આપની ચિંતામાં વધારો કર્યો હતો. ભાજપ અને આપે જે સીટો પર દમ લગાવ્યો ત્યાં ઓછું મતદાન થયું હતું. મજૂરા બેઠકની વાત કરીએ તો મજૂરા બેઠક પર પ્રથમ વખત 2012માં ચૂંટણી યોજાઈ હતી. ત્યાર બાદ 2017માં ચૂંટણી યોજાઈ હતી. બંને વખત આ બેઠક ભાજપનાં ફાળે ગઈ છે.
2012માં ભારે લીડથી જીત્યા હતા હર્ષ સંઘવી
વર્ષ 2012માં ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધનપત જૈનને હરાવ્યા હતા. હર્ષ સંઘવીએ કોંગ્રેસના ઉમેદવારને 1,03,577 મતે પરાજય આપ્યો હતો. 27 વર્ષની વયે તેઓ રાજ્યનાં સૌથી નાની વયનાં ધારાસભ્ય બન્યા હતા. તો વર્ષ 2017ની વાત કરવામાં આવે તો 2017માં અનામત આંદોલનની અસર વચ્ચે સંઘવીએ કોંગ્રેસના ઉમેદવાર અશોક કોઠારીને હરાવ્યા હતા. તેઓએ 1,16,741 મતે અશોક કોઠારીને હરાવ્યા હતા. રાજ્યનાં ગૃહ રાજ્ય મંત્રી બન્યા બાદ હર્ષ સંઘવીનું રાજકીય કદ વધ્યું છે. આ વખતે પણ ભાજપે તેમને રિપીટ કર્યા હતા.
મોટાભાગનાં કાપડના વેપારીઓ રહે છે મજૂરામાં
મજૂરા બેઠક પર મતદારોની સંખ્યા 2.45 લાખ જેટલી છે. આ વિસ્તારમાં જૈન મારવાડી અને મોઢ વણિક સમુદાયનું પ્રભુત્વ સૌથી વધારે છે. આ વિસ્તારને પોશ વિસ્તાર માનવામાં આવે છે. મોટાભાગને કાપડના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ આ વિસ્તારમાં જ રહે છે.