કરિયાણા પર 5% GST લાદતા રાજકોટમાં દાણાપીઠમાં દુકાનો બંધ
કરિયાણાના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો
ગોંડલમાં અનાજ કરીયાણાના વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ દર્શાવ્યો
કેન્દ્ર સરકાર દ્વારા અનાજ કરીયાણા તથા આવશ્યક ચીજ વસ્તુઓ પર 5% GST લાદવામાં આવ્યો છે. જેને પગલે રાજકોટમાં આજે દાણાપીઠમાં વેપારીઓએ દુકાન બંધ રાખીને વિરોધ નોંધાયો હતો.
સરકારે અનાજ કઠોળમાં જે 5% GST લગાડ્યો છે તે ખોટું છે. આના કારણે વેપારીઓને ઘણું નુકસાન થઈ રહ્યું છે. એક તો અત્યારે ઓલરેડી ચીજો પર GST હતો. તેમાં 5% વધે એટલે અમારે ઘણી નુકસાનીનો સામનો કરવો પડે. હવે જો સરકાર તેનો નિર્ણય પાછો નહીં લે તો આગામી સમયમાં અમારા દ્વારા વધુ જલદ અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ નિર્ણયના વિરોધમાં જ આજે અમે દુકાનો બંધ પાડી છે.
ગોંડલમાં પણ ભારતીય ઉદ્યોગ વેપાર મંડળ દિલ્હી દ્વારા વેપાર ધંધા બંધના એલાનને સમર્થન આપી અનાજ-કઠોળના વેપારી અને માર્કેટ યાર્ડના વેપારીઓ આજે ધંધા રોજગાર બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો હતો. આ અંગે ગોંડલ વેપારી મહામંડળનાં પ્રમુખ ગોપાલભાઈ ટોળીયાએ જણાવ્યુ હતું કે, વેપારીઓને સરેરાશ 1થી 2% નફો મળતો હોય ત્યારે 5% GST કર બોજ વેપારી આલમની કમર ભાંગી નાખતો તઘલખી નિર્ણય છે. માટે આજે હોય ગોંડલનાં વેપારીઓ બંધ પાળી વિરોધ દર્શાવ્યો છે.