રાજ્ય સરકારે શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પ્રવાસ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. સરકારના પરિપત્ર મુજબ કોઇ પણ શાળાઓ વિદ્યાર્થીઓને કે વાલીઓને પ્રવાસ માટે ફરજ પાડી શકશે નહિ, જો વિદ્યાર્થી અને વાલીની સહમતી હોય, તો જ તે પ્રવાસ કરી શકશે. આ સાથે પ્રવાસ દરમ્યાન વિદ્યાર્થીની સલામતી માટે પૂરતા સુચનો પણ કરવામાં આવ્યા છે. પ્રવાસન સ્થળોને વેગ મળે અને શાળાના વિદ્યાર્થીઓને પ્રવાસન સ્થળોથી માહિતગાર થાય તે માટે રાજ્ય સરકારે આ ગાઇડલાઇન બહાર પાડી છે. આ સાથે સરકારે પ્રવાસના આયોજનમાં સરકારે બહાર પાડેલ ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા સુચનો કર્યા છે.
રાજ્યમાં પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ વેકેશન કે અન્ય સમય દરમિયાન પ્રવાસનું આયોજન કરે, તે પહેલા શિક્ષણ વિભાગમાં લાગતા વળગતા ઓફિસે લેખિત અગાઉ જાણ કરવાની રહેશે. આ સાથે વાલી અને વિદ્યાર્થીની સહમતિ બાદ પ્રવાસનું આયોજન કરી શકશે. પરિપત્રમાં એ પણ જણાવવામાં આવ્યું છે, કે પ્રવાસના આયોજનમાં આગ,અકસ્માત કે અન્ય અનિચ્છનીય ઘટના ન ઘટે તે રીતે આયોજન કરવા સુચનો કરવામાં આવ્યા છે.
આ સાથે પ્રવાસ દરમિયાન કેટલીક કાળજીઓ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાસ કરીને મોસમ પ્રમાણે પ્રવાસનું આયોજન, પ્રવાસની બસના ડ્રાઇવર કેફી પદાર્થનું સેવન ન કરતા હોવા જોઇએ. વાહનોમાં ફાયર સેફ્ટી, પ્રવાસના વાહનોમાં જીપીએસ સિસ્ટમ, મર્યાદિત સ્પીડમાં વાહનો ચલાવવા, આ ઉપરાંત સલામત સ્થળોની મુલાકાત કરાવવી જેવા ચૌદ જેટલા મુદ્દાઓનો ઉલ્લેખ કરાયો છે