રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દિવાળી વેકેશનની જાહેરાત કરી દેવામાં આવી છે. વેકેશન અંગે શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને શાળાઑમાં દિવાળી વેકેશન 20 ઑક્ટોબરથી 9 નવેમ્બર એટલે કે 21 દિવસનું જાહેર કરવામાં આવ્યું છે. જેમાં તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખો એક સરખી રહે તે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 21 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે દિવાળી વેકેશન ખુલતાની સાઠે જ દ્વિતિય સેમેસ્ટરનો પ્રારંભ કરવામાં આવશે.
આ અંગે મળતી વધુ માહિતી મુજબ આ વખતે દિવાળી 24 ઓકટોબરના દિવસે છે ત્યારે દિવાળી વેકેશન 20 ઑક્ટોબરથી પડતું હોવાના કારણે વેકેશન દરમિયાન વિધાર્થીઓ ધનતેરસ, કાળીચૌદશ, બેસતુ વર્ષ, ભાઇબીજ અને લાભપાંચમના તહેવારોની મોજ માણી શકશે, ત્યારબાદ ફરી તા.10મી નવેમ્બરથી શાળાઑ ખુલશે. આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સંકલનમાં રહીને જણાવ્યા મુજબ વેકેશનની તારીખો જાહેર કરવા જણાવાયું છે.
જેથી પ્રાથમિક અને માધ્યમિક બંને શાળાઓના બાળકોના વેકેશનની તારીખ એક જ સરખી રહી શકે, જિલ્લા શિક્ષણાધિકારીઓએ આ અંગેની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, પ્રાયોગિક શાળાઓ તેમજ આપના તાબા હેઠળની તમામ શાળાઓને જાણ કરવાની રહેશે. તેમ પરિપત્રમાં જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાકાળના પગલે તમામ શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ બંધ હતું. આ ઉપરાંત રજાઓ દરમ્યાન બહાર ફરવા જવાનું પણ બંધ હોય જેને કારણે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પણ તેમના વાલી અને શિક્ષકો પણ કંટાળી ગયા હોય જેથી આ વખતે રજાના માહોલમાં મોટી સંખ્યામાં લોકો બહાર ફરવા નીકળી જવાના છે.