ગુજરાત સરકારના વર્ગ-4ના કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારના નાંણા વિભાગે ઠરાવ બહાર પાડયો છે જેમાં વર્ગ-4ના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સળંગ 6 મહિનાની નોકરી હોય તેવા કર્મચારીઓને બોનસ લાભ મળશે, સાથે જ સરકારે 30 દિવસના એડહોક બોનસ ચૂકવાનો નિર્ણય કર્યો છે.
મહત્ત્વની વાત એ છે કે હવે દિવાળી નજીક આવી રહી છે. ત્યારે સરકારની બોનસ વધારવાની જાહેરાત બાદ વર્ગ-4ના કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ છે. કર્મચારીઓની બોનસ અંગેની જાહેરાત બાદ સરકારી કર્મચારીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. મહત્ત્વનું છે કે આ વખતે દિવાળી 24 ઓક્ટોબરે જ આવી રહી છે ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓને તહેવારોમાં ખરીદી કરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે પગાર વહેલા કરવામાં આવે તેવા નિર્દેશ પણ આપ્યા છે.
જે બાદ રાજ્ય સરકારે વર્ગ-4ના કર્મચારીઓને પણ બોનસના રુ. 3500 આપવાની પણ જાહેરાત કરી છે, નિયમો અનુસાર વર્ગ-4ના કર્મચારીઓને બોનસ પ્રમાણે 31 માર્ચ, 2021ના રોજ મળવાપાત્ર રહેશે. રાજ્ય સરકારની જાહેરાત બાદ હાલ તો બોનસની જાહેરાત બાદ રાજ્યના વર્ગ-4 ના કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
કર્મચારીઓનો ઓક્ટોબર માસનો પગાર દિવાળી પહેલા કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે દર મહિનાની તા. 1 ,2 ના થતો પગાર આ વખતે 17, 18 અને19 ના રોજ કર્મચારીઓના ખાતામાં જમાં કરાવવામાં આવશે. છ લાખ કર્મચારીઓ સાથે છ લાખ પેન્શનરોને પણ આ લાભ મળશે. ત્યારે આ મુદ્દે સરકાર દ્વારા તે પણ જણાવામાં આવ્યું હતુ કે પગાર સિવાયના એલાઉન્સ પણ કર્મચારીને એડવાન્સમાં આપવામાં આવશે.