રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે કૃષિ પાકને થયેલા નુકસાનીમાં ખેડૂતોને સહાય ચૂકવાશે. ગત જુલાઇ મહિનામાં ગુજરાત સરકારે જાહેરાત કરી હતી કે ખેડૂતોના પાકને 33%થી વધુ નુકસાનીમાં જ સરકાર સહાય ચૂકવશે. આ ચોમાસા દરમિયાન વરસાદથી પ્રભાવિત 9 જિલ્લાઓમાં સર્વે પુર્ણ કરી દેવામાં આવ્યો છે. સરકારને તમામ રિપોર્ટ સોંપી દેવાની તજવીજ પણ હાથ ધરાઇ છે.
તે બાદ વરસાદના બીજા રાઉન્ડમાં બનાસકાંઠા, જામનગરમાં ખેતીને ભારે નુકસાન થયું હતું. જેની ચર્ચા આજે વિધાનસભા સત્રમાં કરવામાં આવી હતી. આ બંને જિલ્લાઓના ખેડૂતોને પણ સહાયનો ટેકો મળે તેવી રજૂઆત કરવામાં આવી. જેના જવાબમા વિધાનસભામાં રાઘવજી પટેલે નિવેદન આપતા કહ્યું હતું કે કૃષિમાં નુકસાનીનો અહેવાલ મહિનાના અંતમાં આવી જશે. ખેડૂતોને નિયમ મુજબ સહાય આપવામાં આવશે તેવો કૃષિમંત્રીએ દાવો પણ કર્યો છે.
રાજ્યમાં મહેસૂલ, કૃષિ અને નાણા વિભાગના સંકલનના સહાય પેકેજ નક્કી કરાશે. 33%થી વધુ નુકસાનીમાં SDRFના નિયમોને આધારિત સહાય ચૂકવાશે. જો કે, બિયારણનું ધોવાણ થવા પર સરકાર દ્વારા સહાય નહીં ચૂકવવામાં આવે.
રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત તેમજ મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, કચ્છ મળી કુલ 9 જિલ્લાઓના ૩૮થી વધુતાલુકાઓમાં કૃષિ પાકો અસરગ્રસ્ત થયા હતા.અસરગ્રસ્ત તાલુકાઓના કુલ ૧૨૦ સર્વે ટીમ દ્વારા સર્વેની કામગીરીએ લાગી હતી. આશરે 4000થી વધુ ગામડામાં પાક નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો છે.
ગુજરાતના ખેડૂતોના રિપોર્ટકાર્ડમાં પરિસ્થિતિ કંઇક અલગ જ સામે આવી છે. બે વર્ષમાં ગુજરાતના ખેડૂતોનું દેવું વધ્યું છે. ગુજરાતના ખેડૂતોની લોન પણ વધી છે. ગુજરાતનો ખેડૂત દેવાદાર બન્યો છે. કૃષિ ક્રેડિટના રિપોર્ટ પ્રમાણે બે વર્ષમાં કૃષિ ક્રેડિટ 32 ટકા વધી છે. તો એગ્રીકલ્ચર ક્રેડિટ હેઠળની લોન 45 ટકા વધી છે.2019-20માં ગુજરાતમાં કૃષિ ક્રેડિટ 73 હજાર 228 કરોડ હતી જે 2021-22માં ગુજરાતમાં કૃષિ ક્રેડિટ વધીને 96 હજાર 963 કરોડ થઇ. ખાતા દીઠ એગ્રિકલ્ચર લોન 1.71 લાખથી વધી 2.48 લાખ રૂ. થઇ ગઈ છે. બે વર્ષમાં ખેડૂતોના ખેતીને લઇને પડકારો પણ રહ્યાં છે. તૌકતે વાવાઝોડાથી લઇને અનરાધાર વરસાદે ખેતરોને તબાહ કર્યા છે. વળતરના નામે પણ ખેડૂતોના કહેવા પ્રમાણે ખાસ સહાય મળતી નથી. તેવામાં બે વર્ષમાં ખેડૂતોને ખેતી માટે જરૂરી બિયારણ,ખાતર કે પછી જરૂરી દવાઓના ખર્ચમાં પણ નોંધપાત્ર ફેરફાર આવ્યો છે.