- સોમવારથી ધોરણ 1થી 9નું ઓફલાઈન શિક્ષણ શરૂ
- કોરોનાના કેસમાં ઘટાડો થતાં નિર્ણય લીધો
- સ્કૂલો શરૂ કરવાનાં નિર્ણયમાં ઉતાવળઃ વાલી મંડળ
રાજ્ય સરકારે સોમવારથી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પરામર્શ અને કોર ગ્રુપમાં ચર્ચા કર્યા બાદ તેમની સૂચના પ્રમાણે કોરોનાના કેસો રાજ્યમાં ઓછા થતાં અને વિદ્યાર્થીના અભ્યાસમાં મુશ્કેલી ન થાય તે હેતુથી સોમવાર 7મી ફેબ્રુઆરીથી જૂની SOP (કોરોનાની ગાઈડલાઇન) પ્રમાણે ધોરણ 1થી 9નું ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે. 7મી જાન્યુઆરીથી ઓફલાઈન શિક્ષણકાર્ય બંધ કરાયું હતું.
રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કોર કમિટીના આ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું હતું કે, 5 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં માત્ર ઓન લાઇન શિક્ષણ જ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે આ અગાઉ ગત તા. 7મી જાન્યુઆરીએ નિર્ણય કર્યો હતો કે તા. 31 જાન્યુઆરી સુધી ધોરણ 1 થી 9ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવામાં આવશે.
રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો થતાં ધોરણ 1થી ધોરણ 9ના ક્લાસ ફરી શરૂ કરવા ખાનગી શાળા સંચાલકો ભારે દબાણ કરી રહ્યા હતા. તેમણે સરકાર સમક્ષ રજૂઆત પણ કરી હતી. આ રજૂઆતને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં અગાઉ શિક્ષણ વિભાગની મહત્ત્વની બેઠક મળી હતી, જેમાં ઓનલાઈન શિક્ષણ આપવાનો નિર્ણય લેવાયો હતો.
તાજેતરમાં જ વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, હજુ કેસ વધુ છે માટે સ્કૂલો શરૂ કરવાનાં નિર્ણયમાં ઉતાવળ છે. હજુ 15 દિવસ સુધી રાહ જોવી જોઈએ અને કેસ ઘટવા દેવા જોઈએ. કેસ સંપૂર્ણ કાબુમાં આવે ત્યાર બાદ જ ઓફલાઇન સ્કૂલ શરૂ કરવી જોઈએ. સ્કૂલો પણ ફી માટે અત્યારે ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેશે. પરંતુ બાળકોના સ્વાસ્થ્યની જવાબદારી કોઈપણ સ્કૂલ તરફથી લેવામાં નહીં આવે.